Friday, 26 April 2013

સોના-ચાંદી બાદ
હવે કરન્સી માં મોટી વધઘટ જોવાય
ધાતુઓ માં નવ અઠવાડિયા ની મંદી બાદ સુધાર
ગ્લોબલ માર્કેટ માં સોના માં બે વર્ષ ની મંદી નો અંત?

છેલ્લા ત્રણ અઠવાડિયા માં સોના-ચાંદી ના તોફાને ગ્લોબલ માર્કેટો ને ધમરોળ્યા છે. આગલા અઠવાડિયા ના સપાટા બાદ સોના માં ગયા અઠવાડિયા દરમ્યાન ઝડપી સુધાર જોવાયો છે અને આ જયારે લખાઈ રહ્યું છે, ત્યારે સોનું યુએસ માર્કેટ માં 1650 ડોલર ની ઉપર ટકેલું છે. આગલા અઠવાડિયા ના 1327 ડોલર ના તળિયા થી સોના માં ઝડપી રીકવરી જોવાઈ. સોના ના આગામી ટ્રેન્ડ વિષે વાત કરીએ તે પહેલા એ કારણો પર નજર કરીએ જેના લીધે સોના માં એક દાયકા સુધી તેજી જોવાઈ અને હમણાં નો આ કડાકો.

સોનું વિદેશી ભંડોળ તરીકે ડોલર નો વિકલ્પ
2001 માં અમેરિકા પર ના આતંકવાદી હુમલા બાદ અમેરિકા જ્યાં આતંકવાદ સામે યુદ્ધે ચડ્યું તો ડોલર માં ઘટાડા ની શરૂઆત થઇ. 2002 માં જ્યાં ડોલર ઇન્ડેક્ષ 120 પર હતો તે 2008 માં 71 સુધી ઘટ્યો. ડોલર માં જયારે નરમી ની, ઘટાડા ની શરૂઆત થઇ તો ઘણા બધા દેશો પોતાના વિદેશી હુંડીયામણ ભંડોળ માં ડોલર કરતા સોના ને વધુ મહત્વ આપવા લાગ્યા અને ગ્લોબલ માર્કેટ માં સોના ની એ લેવાલી માં સવા ત્રણસો ડોલર ના ભાવ થી સોનું સુધરી નવસો ડોલર, એટલે કે છ વર્ષ માં બસો ટકા વધ્યું. 2008 ના સબ-પ્રાઈમ ક્રાઈસીસ પછી અમેરિકા એ પોતાના અર્થતંત્ર ને વેગવંતુ બનાવવા માટે સ્ટીમ્યુલસ પેકેજ અમલી કર્યા અને  ડોલર માં સુધારા ની શરૂઆત જોવાઈ ત્યારે 2011 માં 1900 ડોલર ની ઉંચી સપાટી થી ગ્લોબલ માર્કેટ માં સોના માં ઘટાડા ની શરૂઆત થઇ હતી.

રૂપિયો વધવામાં ધીમો, ઘટવા માં ઝડપી
આગળ જે લખ્યું કે 2002 થી 2008 દરમ્યાન ડોલર ઇન્ડેક્ષ 120 થી 71 સુધી ઘટ્યો, આ જ ગાળા માં રૂપિયો ડોલર સામે 48 થી 38 સુધી સુધર્યો. એટલે જયારે ડોલર અન્ય કરન્સી સામે ચાલીસ ટકા જેટલો ઘટ્યો ત્યારે રૂપિયો ડોલર સામે વીસ-પચીસ ટકા જેટલો જ સુધારો નોધાવી શક્યો. પણ, 2008 થી અને એમાં પણ ખાસ કરીને 2011 બાદ ડોલર માં સુધારા ની શરૂઆત થઇ, તો રૂપિયા માં મોટા પાયે ઘસારો જોવાયો. 2008 ના 71 ના નીચા લેવલ થી સુધરી હાલ માંડોલર ઇન્ડેક્ષ 82 પહોચ્યો (આશરે બાર ટકા), તો રૂપિયા માં તો 39 થી 54 સુધીનો ઘસારો જોવાયો છે. આમ, અન્ય કરન્સી ની સરખામણીએ રૂપિયો સતત ઘસાતો રહ્યો છે. રૂપિયા ની ખરીદક્ષમતા ના આ ઘસારા ને લીધે 2011 થી ગ્લોબલ માર્કેટ માં સોના ના ભાવો ઘટતા રહ્યા હોવા છતાં આપણા બજારો માં સોના ના ભાવો જળવાયેલા રહ્યા હતા.

યેન કેરી ટ્રેડ નું પુરાગમન
નવેમ્બર માસ થી જાપાને પોતાની કરન્સી ને નરમ રાખવા નું વલણ અપનાવ્યું છે. સ્થાનિક બજારો માં સતત ઘટતા ભાવો અને પાંત્રીસ વર્ષ થી સતત સુધરતા રહેલા યેન ને કારણે નિકાસો ઘટી રહી હતી. જાપાને પોતાના અર્થતંત્ર ને વેગવંતુ બનાવવા માટે પોતાની કરન્સી ને નરમ રાખવા ની નીતિ અપનાવી. જાપાની સરકાર ના આ વલણ ને લીધે ફરી યેન કેરી ટ્રેડ માં પોઝીટીવ રીટર્ન ની શરૂઆત થઇ છે. હાલ માં અમેરિકા અને યુરોપીયન બજારો ના જે મોટા સુધારા જોવાયા છે તે ઘટતા યેન અને જાપાની સંસ્થાઓ ધ્વારા થતા રોકાણો ને લીધે છે. આ યેન કેરી ટ્રેડ પર વિગતે ચર્ચા આવતા અઠવાડિયે કરીશું. નવેમ્બર માસ થી યેન માં મોટા પાયે ઘટાડો શરુ થયો છે અને તેના પગલે ડોલર ફરી મજબૂત થઇ રહ્યો છે. આ સંજોગો માં વૈકલ્પિક વિદેશી ભંડોળ તરીકે ની દુનિયા ના દેશો ની સોના માં લેવાલી અટકી.

ભારત માં સોના ની આયાત ડ્યુટી માં વધારો
સોના ની કુલ ગ્લોબલ ડીમાન્ડ માં ભારત નો હિસ્સો પચીસ ટકા જેટલો ઉંચો છે. સામે આપણી આયાતો નિકાસો કરતા ઉંચી હોવાથી આપણી વિદેશ વેપાર ખાધ આશરે પંચવન ટકા જેટલી અધધ છે. આ અધધ વિદેશ વેપાર ખાધ માં સોના-ચાંદી નો હિસ્સો ત્રીજા ભાગ નો છે. આપણા વિદેશ વેપાર માં સોના-ચાંદી ના હિસ્સા વિષે વિગતે ચર્ચા ફરી ક્યારેક કરીશું. હાલ માં સોના ના ઘટાડા વિષે વાત કરીએ તો આપણી સરકારે વિદેશ વેપાર ખાધ ને અંકુશિત કરવા માટે સોના ની આયાત-ડ્યુટી માં વધારો કર્યો અને સોના ની આયાત ઘટી પણ. ભારત ની ડીમાન્ડ ઘટતા ગ્લોબલ માર્કેટ માં સોના ની મંદી ઘેરી બની અને જયારે સાયપ્રસ જેવા નાના અમથા દેશ ની વેચવાલી આવી તો સોના માં દોઢસો ડોલર જેટલો જંગી કડાકો બોલાયો.

સોના નો આગામી ટ્રેન્ડ
યુરો સામે સુધરતો ડોલર હવે યેન સામે પણ ઝપાટાભેર સુધરી રહ્યો છે. પણ, ગ્લોબલ માર્કેટ માં સોનું 1900 થી 1320 સુધીનો ઘટાડો બતાવી હવે 1450 ડોલર ની ઉપર હાલ માં સ્થિર થયું છે. આગામી બે મહિના માટે સોના માં 1520-30 ડોલર ની સપાટી અવરોધ બની રહે અને નીચા ભાવ થી શરુ થયેલ સુધારા આ સ્તરોએ અટવાતા જોવાય. જયારે ભારતીય બજારો ની વાત કરીએ તો હવે રૂપિયા ની ચાલ નિર્ણાયક તબક્કા માં છે. ખાસ કરીને જુન 2012 પછી રૂપિયો મોટા ગ્લોબલ તોફાનો માં પણ 54 થી 55 ની રેંજ માં જળવાઈ રહ્યો છે. યુએસ માર્કેટ ના સોના, ચાંદી, ક્રુડ ઉપરાંત ડાઉ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડેક્ષ અને ભારતીય બજાર ના સોના, ચાંદી ના ભાવો તથા નિફ્ટી ઉપરાંત ડોલર ઇન્ડેક્ષ અને ડોલર-રૂપિયા સહીત ના તમામ એસેટ ક્લાસ ના છેલ્લા બે વર્ષો ના ટ્રેન્ડ તરફ નજર કરીએ તો રૂપિયા નો ડોલર સામે નો છેલ્લા બે વર્ષો ના બાવીસ ટકા જેટલા ઘટાડા ને લીધે આપણા બજારો માં સોના ના ભાવો ગ્લોબલ માર્કેટ કરતા ઊંચા રહ્યા છે. આ જોતા હવે રૂપિયા માં મોટી અફરાતફરી ની શક્યતાઓ છે. સરવાળે આપણા બજાર માં પણ સોનું ગ્લોબલ માર્કેટ ની માફક અવરોધાતું જોવાય. જોકે હાલ માં સોના ની ટ્રેડીંગ રેજ ત્રણ હજાર પોઈન્ટ જેટલી (28600 થી 25500) મોટી છે. આ લખાય છે ત્યારે એમસીએક્સ જુન વાયદો કે જે 27100 ની આસપાસ છે, તેમાં 27850 નો સાપ્તાહિક અવરોધ છે. આગલા અઠવાડિયે નીચેના ભાવો થી શરુ થયેલ ઝડપી સુધાર 27700 - 900 ની રેંજ માં અટકાય. સપ્તાહ દરમ્યાન 27450 અને 670 નિર્ણાયક રેસીસ્ટન્સ જયારે ઘટાડા માં 26450 મહત્વ નો ટેકો છે.

1 એપ્રિલ 2011 થી આજ સુધી વિવિધ એસેટ ક્લાસ નું રીટર્ન

 સોનું (યુ એસ)
 +2.1%
 સોનું (ભારત)
 +30.7%
 ચાંદી (યુએસ)
 -36.3%
 ચાંદી (ભારત)
 -19.5%
 યુએસ ડોલર ઇન્ડેક્ષ 
 +6.7%
 ડોલર રૂપિયા સામે (USDINR)
+22.1% 
 ક્રુડ ઓઈલ (યુએસ)
 -13.34%
 ક્રુડ ઓઈલ (ભારત) 
 +6.5%
 ડાઉ જોન્સ ઈ
 19.3%
 નિફ્ટી
 +0.5%



સોના કરતા ચાંદી રોકાણ માટે સારી
ગ્લોબલ માર્કેટ માં ચાંદી આ બે વર્ષો માં સોના કરતા ઝડપી ઘટી છે. માટે ચાંદી માં હવે તેજી નો ટોન જોવાતા સુધારા સોના કરતા વધુ ઝડપી રહે. આ અઠવાડિયા માં સોના-ચાંદી માં લેણ ની પોઝીશન બે-એક માસ માં ચાર થી આઠ ટકા સુધી નું વળતર આપી શકે. ગ્લોબલ માર્કેટ માં ચાંદી માં હવે 23.50 ડોલર નો મહત્વ નો ટેકો છે અને ઘટાડા દરમ્યાન આ સ્તર ની આસપાસ થી સુધારા જોવાતા રહે. 23.74 ડોલર ઉપર ની ચાલ જળવાઈ રહેતા ચાંદી તેના 26 ડોલર ના મોટા અવરોધ ને ઝડપી ટેસ્ટ કરે. એમસીએકસ વાયદા માં આ વખતે એક્ષ્પાયરી માં 1200 થી 1700 રૂપિયા ના બદલા ની સરખામણીએ 500-800 રૂપિયા નો બદલો હોઈ, ટ્રેડરો માં ચાંદી માટે ઘણું અસમંજસ છે. પરંતુ, એમસીએકસ જુલાઈ વાયદા માં હવે 43700 મહત્વ નો ટેકો છે અને 44100 ની ઉપર ની ચાલ જળવાતા આ અઠવાડિયે 47650 સુધીની તેજી ની શક્યતા છે.

અન્ય મેટલ માં નવ અઠવાડિયા ના ઘટાડા બાદ સુધાર, ક્રુડ માં ઉછાળો
એલ્યુમીનીયમ, કોપર, નિકલ, લેડ તેમજ ઝીંક માં છેલ્લા નવ અઠવાડિયા થી ટોન સતત નરમી નો રહ્યો. ગયા અઠવાડિયે એલ્યુમીનીયમ, લેડ અને ઝીંક માં લેવાલી જોવાઈ છે. કોપર અને નિકલ ની સરખામણીએ આ ત્રણ ધાતુઓ માં સુધારો થોડો ઝડપી છે અને આ અઠવાડિયે પણ આ ધાતુઓ માં ગયા અઠવાડિયા ના ખુલ્યા ભાવ મહત્વ ના ટેકા છે. જયારે ક્રુડ ઓઈલ માં 5515 ના લેવલ થી મહિના માં 4770 સુધીનો કડાકો જોવાયો હતો. ગયા અઠવાડિયે નીચા સ્તરો થી ચાલેલી લેવાલી માં ક્રુડ ફરી 5000 ના સાયકોલોજીકલ લેવલ ની બહાર ટકવા માં સફળ રહ્યું છે. હવે, ક્રુડ માં 5072 અને 5092 મહત્વ ના અવરોધ છે અને આ સ્તરો ની ઉપર બંધ રહેવા માં ક્રુડ અસફળ રહેતા આ અઠવાડિયે ફરી નરમી જોવાઈ શકે છે. 5092 ની ઉપર નો બંધ જોવાતા ક્રુડ માં વધુ મોટા ઉછાળા જોવાઈ શકે.






No comments:

Post a Comment