કરન્સી ના આ બદલાયેલા ટ્રેન્ડ
બજાર માં નવા સમીકરણો રચશે
અઠવાડિયા ના છેલ્લા દિવસે રીઝર્વ બેંક ની પોલીસી જાહેર થઇ અને પોલીસી માં ધારણા મુજબ ના વ્યાજદરો માં ઘટાડા પણ થયા. હા, જો કે બજાર ની અપેક્ષા અડધા ટકા ના વ્યાજદર ઘટાડા ની હતી, જેની સામે રીઝર્વ બેન્કે પા ટકા નો ઘટાડો કર્યો. જયારે આવી મોટી ઇવેન્ટ બની હોય, ત્યારે વાચક મિત્રો ની અપેક્ષા આ વ્યાજદર ના ઘટાડા ની સંભવિત અસરો કે તેના પરિણામો વિષે જાણવાની હોય તે સ્વાભાવિક છે. પરંતુ આપણી આજની કોલમ માં આના વિષે આપણે કોઈ ચર્ચા કરીશું નહી. કેમકે વ્યાજદર ઘટવાના હતા એતો અપેક્ષિત જ હતું. માટે જ તો ગયા અઠવાડિયા ના અંક માં વાચકમિત્રો ને રૂપિયા માં મોટી વધઘટ માટે તૈયાર રહેવા સૂચવ્યું હતું. જયારે અર્થતંત્ર માં નાણાં નો પ્રવાહ વધે, લીક્વીડીટી સુધરે એટલે બજારો પણ સુધરે અને વ્યાજદરો પણ ઘટે કે જયારે મોટા રોકાણો પાછા ખેચાય તો આનાથી વિપરીત થાય. હમણા એક ફિલ્મ જોઈ જેમાં ભગવાન તેમના ભક્ત ને કહે છે કે "હું કૃષ્ણ છું માટે ચમત્કાર કરું છું. ચમત્કાર કરું છું માટે કૃષ્ણ નથી." એમ આપણા બજારો માં પણ અર્થતંત્ર વેગવંતુ બનવા માટે એટલે બજારો સુધરવા માંડે અને નહી કે અર્થતંત્ર ના સુધારા સમાચાર રૂપે પ્રગટ થાય ત્યારે. આરબીઆઈ ની પોલીસી પહેલા જ બેંકનિફ્ટી બાર ટકા વધી ગઈ અને પોલીસી જાહેર થઇ એ અઠવાડિયે બેંક-નિફ્ટી માં એક ટકા નો ઘટાડો નોધાયો. છેલ્લા ત્રણ અઠવાડિયા થી બેન્કિંગ ઉપરાંત ઓટો શેરો માં પણ તેજી નું તોફાન ચાલે છે, તો આ અઠવાડિયે આ લાર્જ કેપ શેરો માં ચાલતી લેવાલી ધીમી પડી. આરબીઆઈ ની આ પોલીસી ની સંભવિત અસરો ની ચર્ચા આપણે આવતા અઠવાડિયે કરીશું પણ આજે આપણે એક એવા ગ્લોબલ પરીબળ ની ચર્ચા કરીશું જેણે નવેમ્બર માસ પછી ગ્લોબલ માર્કેટો ને ધમરોળ્યા છે, અમેરિકા ના બજાર માં લાઈફ-ટાઈમ હાઈ જોવાયો અને દેવળિયા યુરોપીયન દેશો ના બજારો માં પણ મોટા ઉછાળા જોવાયા તો સલામત રોકાણ ના વિકલ્પ એવા સોના માં કડાકો નોધાયો. ગતાંક માં આપણે યેન કેરી ટ્રેડ નો ઉલ્લેખ કર્યો હતો, તેના પર આજે વિગતે વાત કરીએ.
ઉગતા સૂર્ય નો દેશ જાપાન
વિશ્વ ના સહુ થી પૂર્વીય છેવાડે આવેલ આ દેશ તેના ભૌગોલિક સ્થાન ને લીધે ઉગતા સૂર્ય "લેન્ડ ઓફ રાઈસિંગ સન" તરીકે ઓળખાય છે. બીજા વિશ્વયુદ્ધ માં ઇટલી અને જર્મની ના પતન છતાં જાપાને નમતું જોખ્યું નહોતું અને છેવટે અમેરિકા એ હિરોશીમા અને નાગાશાકી નામના બે શહેરો પર અણુ-બોમ્બ ઝીક્યા અને જાપાનને હાર કબૂલવી પડી એ આપણે સહુ જાણીએ છીએ. વિશ્વયુદ્ધ ના આ કારમા પરાજય પછી જાપાની પ્રજા પોતાના રાષ્ટ્ર ના નિર્માણ માં પુરા જોશ થી લાગી ગઈ. જાપાની કામદારો, કર્મચારીઓ દિવસ ના પંદર-સોળ કલાક મહેનત કરી, દેશ નું કુલ ઉત્પાદન અને નિકાસ વધારવા ના ભગીરથ કાર્ય માં જોડાઈ ગયા અને તેના પરિણામો પણ ધારણામુજબ ના હાસિલ કર્યા.મિત્સુબીસી, સુઝુકી, સોની જેવી કંપનીઓ સિત્તેર ના દસક માં મહેનત અને ટેકનોલોજી ના પર્યાય બની ગઈ. જાપાને પોતાની ધરખમ નિકાસો દ્વારા આખી દુનિયા ને ચોકાવી નાખી.
ટેકનોલોજી માં અવ્વલ જાપાન નો યેન પાત્રીસ વર્ષ સુધી સુધર્યો
વિશ્વયુદ્ધ માં પરાજય બાદ જાપાન ની કરન્સી સતત ઘસાતી રહી હતી અને ડોલર યેન સામે 300 ના સ્તર ને પાર કરી ગયો હતો. પણ, જ્યાં જાપાને પોતાની નિકાસ ની તાકાત નો પરચો આપ્યો, યેન માં સુધારા ની શરુઆત થઇ અને યેન સતત સુધરતો રહ્યો છે. ડીસેમ્બર 1975 માં ડોલર યેન સામે જે 303 હતો, તે ગયા વર્ષે ઓક્ટોબર માસ માં હતો 77. આમ, છેલ્લા સાડત્રીસ વર્ષ થી યેન ડોલર સામે સુધરતો રહ્યો.
જાપાન માં ઇન્ફલેશન નહી પણ ડીફલેશન
એક તો દિવસ ના પંદર કલાક મહેનત કરવાની જાપાનીલોકો ની નિષ્ઠા અને એમાં પણ સતત સુધરતી કરન્સી. કરન્સી સતત સુધરતી હોય, તેનો પર્ચેસિંગ પાવર વધતો હોય એટલે આવશ્યક વસ્તુઓ, સેવાઓ ના ભાવો ઘટતા રહે અને લોકો ખરીદી કરવાનું સતત ભવિષ્ય પર ટાળતા રહે, કેમકે આવનાર સમય માં ભાવો વધુ સસ્તા રહેવાના? એટલે બજારો માં મંદી નો માહોલ સતત જળવાયેલો રહે. પાછી કરન્સી સતત સુધરતી હોય એટલે નિકાસકારો ને કમાયેલ ડોલર ની વેલ્યુ પણ નીચી મળે.આથી સરવાળે નિકાસો ને પણ કોઈ પ્રોત્સાહન રહે નહી. આમ, સુધરતા યેન ને લીધે ડીફ્લેસન જાપાન ની સમસ્યા બની ગઈ હતી, જેનો સીધો ઉપાય હતો યેન ને નરમ કરવાનો. ગયા અઠવાડિયા ના આપણા અંક માં આપણે જોયું કે જયારે 2002 થી 2008 સુધી ડોલર નરમ રહ્યો તો આપણા શેરબજાર ઉપરાંત સોના માં પણ તોફાની તેજી થઇ. યેન પણ વૈશ્વિક કરન્સી હોઈ તેની અસરો ગ્લોબલ માર્કેટ માં વર્તાશે જ.
યેન કેરી ટ્રેડ
છેલ્લા પાત્રીસ વર્ષોથી આમ તો જોકે યેન ડોલર સામે સુધરતો જ રહ્યો છે, પરંતુ ઘણી વખત બે-એક વર્ષ માટે જાપાને પોતાની કરન્સી ને નરમ રાખવાનું વલણ અપનાવ્યું હતું. હવે જયારે સરકાર તેની કરન્સી નરમ રાખવાની નીતિ અપનાવે, ફિક્સ ડીપોઝીટો પર વ્યાજદર શૂન્ય કરી નાખે, બજાર માં નાણાં નો સપ્લાય વધારી દે, તે સંજોગો માં લોકો ને પોતાની બચતો પર વ્યાજ મેળવવા માટે અન્ય સ્ત્રોતો માં રોકાણ કરવું પડે. અગાઉ જયારે - જયારે જાપાની સરકાર યેન નરમ રાખવાની નીતિ અપનાવતી, ત્યારે જાપાની લોકો પોતાની બચતો પર વળતર મેળવવા માટે અમેરિકા કે યુરોપ ના સરકારી બોન્ડ માં રોકાણ કરતા. જયારે આ રોકાણ ને છ - બાર મહીને પાછું પોતાના દેશ માં લઇ જવાનું થાય ત્યારે ડોલર કે યુરો ના બદલા માં આવા રોકાણકાર ને વધારે યેન પાછા મળે કેમકે સરકારે યેન ને નરમ રાખવાની નીતિ અમલ માં મૂકી હોય. આમ જયારે જયારે યેન કેરી ટ્રેડ માં પોઝીટીવ રીટર્ન મળે ત્યારે જાપાન માંથી નાણાં નો પ્રવાહ વૈશ્વિક બજારો માં ઠલવાય.
છેલ્લા પાંચ મહિના માં બુલિયન, ગ્લોબલ માર્કેટ
ડોલર યેન સામે (USDJPY): 29%
ડાઉ જોન્સ ઈ: 11%
સોનું (યુ એસ): 16%
યેન કેરી ટ્રેડ ની ભારતીય બજાર પર અસર
યાદ છે 2007-08 ની શેરબજાર ની તોફાની તેજી. જયારે આ તેજી તેના અંતિમ ચરણ માં હતી, ત્યારે ઘણા વિશ્લેષકો યેન માં તે સમયે શરુ થયેલ ઉંધા બદલા વિષે વારેવારે જણાવતા હતા. આપણા બજાર માં પણ નવેમ્બર માસ થી સોના માં નરમી, રૂપિયા માં સ્થિરતા અને શેરબજાર માં વધઘટે લેવાલી જળવાયેલ છે. જોકે યુએસ, જાપાન, ફ્રાંસ ના શેરબજારો જેવા મોટા તેજી ના તોફાનો આપણા બજાર માં નથી જોવાયા, પરંતુ, રોકાણ ના પ્રવાહો ના અત્યાર સુધી ના ટ્રેન્ડ પર નજર કરીએ તો મોટાભાગે વૈશ્વિક રોકાણકરો ની પહેલી પસંદ વિકસિત બજારો અને ત્યારબાદ વિકાસશીલ બજારો રહી છે.શરૂઆત માં વિકસિત અર્થતંત્રો માં રોકાણો થાય અને પછી એ વિકસિત અર્થતંત્રો ધ્વારા વધુ વ્યાજ, નફો રળવા માટે વિકાસશીલ દેશો માં રોકાણો કરે. આ અઠવાડિયે જ યુરોપીયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદર ઘટાડ્યા. એટલે હવે યુરોપીયન બોન્ડ માં રોકાણ કરનાર ને ઓછું વ્યાજ મળશે. આનો મતલબ એ નથી કે હવે આપણા બજારો માં સીધે-સીધી તેજી જોવાય અને રૂપિયો સીધો સુધારા તરફી રહે. યુપીએ - 2 ના શાશન માં ભાગ્યેજ કોઈક ત્રિમાસિક ગાળો એવો ગયો હશે કે જયારે સરકાર ના અસ્તિત્વ સામે ખતરો ન હોય. બજેટ પહેલા જાન્યુઆરી માસ માં જયારે બજારો માં ખુબ તેજી હતી ત્યારે એઆઈડીએમકે એ સરકાર ને ટેકો પાછો ખેચ્યો અને બજારો કડડભૂસ થયા, રૂપિયો ડોલર સામે વધુ નરમ થયો અને ગ્લોબલ માર્કેટ માં સોનું ઘટવા છતાં આપણા બજાર માં ભાવો જળવાયેલા રહ્યા. તો સામે ગયા મહીને બજાર માં કોઈ જ સારા સમાચારો નો આશાવાદ નહોતો છતાં પણ રૂપિયો પણ સુધારો બતાવવા માંડ્યો, શેરબજારો સુધર્યા અને સોના ના ભાવો પણ ઘસાયા. એ સાચું કે જયારે કોઈ મોટા અર્થતંત્ર માંથી રોકાણો નો અવિરત ધોધ શરુ થાય, તો અન્ય પરિબળો આશાવાદી ન હોવા છતાં પણ સુધારા જોવાય, પણ આપણા બજારો, કરન્સી ને હજી રાજકીય આંચકાઓ થી અલિપ્ત થવા માં હજી પણ એક-બે માસ નો સમય લાગે. ત્યારબાદ આ ઘટતો યેન રૂપિયા અને શેરબજારો માં મોટા ફેરફારો અવશ્ય બતાવે.
શીતલપૂરી ગોસ્વામી
No comments:
Post a Comment