Saturday, 25 May 2013

ગ્લોબલ માર્કેટ ને ધમરોળતા બે તોફાની તત્વો : ડોલર અને યેન




 બજાર પર અસર 
 આગળ શું?
સબ-પ્રાઈમ ક્રાઇસીસ પછી યુએસ માં સ્ટીમ્યુલસ પેકેજ નો અમલ
 બે વર્ષ માં ડોલર ઇન્ડેક્ષ માં પંદર ટકા નો ઉછાળો. ગ્લોબલ માર્કેટ માં સોના માં બે વર્ષ માં વીસ ટકા નો કડાકો.
 આ પેકેજ પાછું ખેચાય તો ડોલર ફરી નરમ રહે અને ગ્લોબલ માર્કેટ માં સોનું સુધરે. સ્ટીમ્યુલસ પેકેજ ચાલુ રહેતા ડોલર નો સુધારો આગળ ધપે.
 ગયા નવેમ્બર માસ માં જાપાન દ્વારા યેન ને નરમ રાખવા ના પગલા 
 જાપાન ના રોકાણ ને પગલે અમેરિકા નું બજાર લાઈફ-ટાઈમ હાઈ પર, યુરોપીયન બજારો પાંચ વર્ષ ના ઊંચા મથાળે. ડોલર ની તેજી વધુ વેગવંતી બની અને સોનું વધુ નરમ રહ્યું.
ગયા મહીને યુરોપીયન બેંકો દ્વારા વ્યાજદર ઘટાડતા, યુરોપ માં જાપાન નું રોકાણ ધીમું પડ્યું.  જાપાની રોકાણકારો ની પ્રોફિટ-બુકિંગ અને નવા રોકાણ ની દિશા બજારો માટે નિર્ણાયક 
 રીઝર્વ બેંક દ્વારા સોના ની આયાત અંકુશિત કરવા ના પગલા, ભારત માં સીધા વિદેશી રોકાણ ને મંજુરી 
 ગ્લોબલ માર્કેટ ની સોના ની મંદી ની સાથે ભારતીય બજાર માં સોના માં કડાકો. ગ્લોબલ માર્કેટ માં ડોલર ના તરખાટ સામે પણ ટકેલો રૂપિયો.
 વિદેશી રોકાણ નો પ્રવાહ વધતા રૂપિયા માં અને શેર બજાર માં સુધાર જોવાય.



ગયા અઠવાડિયે ગુરુવાર ના રોજ યેન માં મોટું તોફાન જોવાયું. યેન ને પગલે જાપાન અને અમેરિકા ના શેરબજારો માં મોટા કડાકા જોવાયા. ગ્લોબલ માર્કેટ ના કડાકા ની સાથે-સાથે ભારતીય બજાર માં પણ પાંચસો પોઈન્ટ નો કડાકો બોલાઈ ગયો. ગયા નવેમ્બર માસ થી જાપાન ની સરકારે યેન ને નરમ રાખવા ની નીતિ અમલ માં મૂકી છે. આ નીતિ ના ભાગ રૂપે જાપાને અમેરિકા અને યુરોપ માં મોટા પાયે રોકાણો કર્યા. આ રોકાણો ને પગલે અમેરિકા અને યુરોપ ના શેરબજારો માં મોટા ઉછાળા નોધાયા. બે અઠવાડિયા અગાઉ યુરોપીયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદરો ની ફેર-સમીક્ષા માં વ્યાજદરો માં અડધા ટકા નો ઘટાડો કર્યો. સામે જયારે જાપની રોકાણકારો એ નવેમ્બર માસ માં રોકાણ ની શરૂઆત કરી ત્યારે ડોલર યેન સામે 78 ના સ્તરે હતો. આ છ મહિના માં યેન મોટા પાયે ઘટ્યો અને ડોલર યેન સામે 100 ની પણ પાર નીકળી ગયો. એટલે જે જાપાની રોકાણકારે છ મહિના પહેલા રોકાણ કર્યું હોય, તે પોતાનું રોકાણ પાછું ખેંચે તો તેને વ્યાજ કે ગ્લોબલ શેરબજાર ના સુધારા ઉપરાંત યેન ના ઘટાડા નો પણ લાભ મળે. (છ મહિના પહેલા કરતા હાલ માં આ રોકાણકાર ને વધુ યેન મળે.) "યેન કેરી ટ્રેડ" ના આ ત્રીસ ટકા જેટલા ધરખમ નફા ને લીધે જાપાની રોકાણકાર ના પ્રોફિટ-બુકિંગ જોવાયા અને ગ્લોબલ માર્કેટો માં કડાકા નોધાયા. જાપાની સરકારે જોકે યેન નરમ રાખવા ની પોતાની નીતિ ચાલુ રાખવાની જાહેરાત કરી છે, પણ આ વખતે જાપાની રોકાણકારો છ-છ મહીને પોતાના રોકાણો ની સમીક્ષા કરતા રહેશે. મતલબ કે હજી જુન માસ દરમ્યાન ગ્લોબલ માર્કેટ તેમજ આપણા શેરબજાર માં પણ મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવાય. પણ, એક માસ પછી જયારે ફરી આ રોકાણો મોટાપાયે ગ્લોબલ માર્કેટ માં ઠલવાશે ત્યારે ભારતીય બજાર આ રોકાણકારો ની પહેલી પસંદ હશે. એટલે કે હજી જુન મહિના માં રૂપિયા માં નરમી યથાવત રહે, સોનું ફરી સુધારો નોધાવે, ચાંદી માં ઉછાળા જોવાય, ક્રુડ માં થોડી નરમી રહે અને શેરબજાર માં મોટાપાયે અફડાતફડી રહે. પણ, એક મહિના બાદ વિદેશી રોકાણો રૂપિયા તેમજ શેરબજાર માં મોટાપાયે સુધારો લાવે.

સોનું: ગયા અઠવાડિયે આપણે છેલ્લા છવ્વીસ અઠવાડિયા ના ડોલર ઇન્ડેક્ષ, ડાઉ-જોન્સ અને યેન ના એક-તરફા ટ્રેન્ડ વિષે જણાવ્યું હતું. સોના વિષે અહી જણાવ્યું હતું કે સોનું તેના એક મહિના પહેલા નો નીચો ભાવ તોડે તો બીજા 400 થી 700 રૂપિયા નો ઝડપી ઘટાડો જોવાય, પણ જો આ નીચા ભાવ પાસે ટેકો લઇ લે તો 600 થી 900 રૂપિયા નો કાતિલ ઉછાળો પણ જોવાઈ શકે. સોમવાર ના રોજ સોનું નરમ ખુલ્યું અને એક મહિના પહેલા ના કડાકા ના 25270 ના બોટમ પાસે થી (25370) સોના માં ઘટાડો અટક્યો અને 24 કલાક માં જ 900 રૂપિયા નો ઉછાળો જોવાયો. ગુરુવાર ના રોજ જાપાની રોકાણકારોએ જયારે ગ્લોબલ બજારો ધમરોળ્યા ત્યારે એમસીએકસ વાયદા માં 26020 નો ખુલ્યો અને નીચો ભાવ નોધાયો છે. 26020 નો આ ભાવ હવે આ અઠવાડિયે મહત્વ નો ટેકો સાબિત થાય. 26450 ની ઉપર નો બંધ જોવાતા સોના માં ફરી 27120 સુધીનો ઉછાળો નોધાઇ શકે. પણ, આ તેજી માં 26020 નું બોટમ તૂટે તો ચાલ ધીમી પડે. યુએસ સ્પોટ માં 1386 ડોલર બંધ રહેલ સોના માં 1398 ડોલર વટાવતા 1445 ડોલર સુધી ના કાતિલ ઉછાળા ની શક્યતા છે. અહી 1356 ડોલર મહત્વ નો ટેકો છે.

ચાંદી: ગ્લોબલ માર્કેટ માં ચાંદી 22.38 ડોલર બંધ રહી છે. ચાંદી માં હાલ માં સતત નરમી નો માહોલ જોવાયો છે અને દરેક ઉછાળે સતત વેચવાલી જ જોવાતી રહી છે. હવે, ગ્લોબલ માર્કેટ માં 22.70 ડોલર નો મોટો અવરોધ છે. સોના ની તેજી ના પગલે અગર ચાંદી આ અવરોધ પાર કરે તો ચાંદી માં 23.40 અને 23.75 ડોલર સુધી ના ઉછાળા જોવાઈ શકે છે. એમસીએકસ વાયદા માં ચાંદી માં 44210 અવરોધ છે. જોકે ચાંદી જો 43800 ની ઉપર પણ ટકવા માં સફળ રહી કે 43800 ની ઉપર નો બંધ અઠવાડિયા ની શરૂઆત માં જોવાયો તો ચાંદી માં 46100 સુધીનો ઝડપી ઉછાળો જોવાઈ શકે.

ક્રુડ: ગયા અઠવાડિયે ક્રુડ માટે 5206 નો ટેકો જણાવ્યો હતો. અઠવાડિયા ની શરૂઆત માં તો આ ટેકો અકબંધ રહ્યો, પણ ગુરુવાર ના યેન ના સપાટા માં ક્રુડ માં 5167 સુધી ના નીચા ભાવો જોવાયા. યુએસ ક્રુડ કે જે ગયા અઠવાડિયે 94.15 ડોલર બંધ રહ્યું છે, તેમાં હવે 95 ડોલર નજીક નો અવરોધ છે. આ અવરોધ ની ઉપર બંધ રહેવા માં ક્રુડ સફળ રહ્યું તો ક્રુડ માં સુધારો જોવાય. 95 ડોલર વટાવવા માં ક્રુડ અસફળ રહ્યું તો વેચવાલી જોવાય. ટુકમાં, ક્રુડ માં હાલ માં કોઈ નક્કર ટ્રેન્ડ કહી શકાય એમ નથી.

અન્ય ધાતુઓ: કોપર, એલ્યુમીનીયમ, લેડ અને ઝીંક માટે ગતાંક માં જણાવ્યું હતું કે આગલા અઠવાડિયા માં ગુરુ અને શુક્રવાર ના રોજ ડબલ બોટમ જોવાયા હતા. ગતાંક માં આગલા અઠવાડિયા ના ગુરુ-શુક્ર વાર ના નીચા ભાવો ને મહત્વ ના ટેકા જણાવ્યા હતા. એલ્યુમીનીયમ, કોપર, ઝીંક અને લેડ - આ તમામ ધાતુઓ માં આગલા અઠવાડિયા ના એ નીચા ભાવો ગયા અઠવાડિયા દરમ્યાન અકબંધ રહ્યા અને સુધારા પણ જોવાયા. ગુરુવાર ના ડોલર અને યેન ના તોફાન માં આ ધાતુઓ માં પણ તેજી અટકી અને નરમી જોવાઈ. જોકે એકપણ ધાતુ માં આ બોટમ હજી સુધી તૂટ્યા નથી અને હવે આ અઠવાડિયે પણ આ જ બોટમ મહત્વ ના ટેકા છે. પણ, ગયા અઠવાડિયા ના છેલ્લા બે દિવસો માં ડોલર ની ચાલ જોતા આ અઠવાડિયે આ તમામ ધાતુઓ માં ચાલ રેંજ-બાઉન્ડ રહેવા ની શક્યતાઓ વધારે છે. એટલે કે આગલા અઠવાડિયા ના ગુરુ-શુક્ર ના નીચા ભાવો અને ગયા અઠવાડિયા ના ગુરુવાર ના ઊંચા ભાવો. આ રેંજ ની વચ્ચે ધાતુઓ ની ચાલ જળવાઈ રહે. એલ્યુમીનીયમ 99.50 - 103.50, કોપર 392.60 - 420, લેડ 106.85 - 115.7 (લેડ માં જો કે 119 સુધી ના ઉછાળા જોવાઈ શકે છે) અને ઝીંક માં 98.40 - 103.65 ની રેંજ કહી શકાય. નિકલ માં આ અઠવાડિયે 910 - 950 ની રેંજ ની બહાર ની ચાલ નિર્ણાયક રહે. આ રેંજ ની જે તરફ બ્રેકાઉટ જોવાય તે તરફ બીજા ત્રણ થી ચાર ટકા ની ચાલ જોવાય.


















Saturday, 18 May 2013

સોનું - ચાંદી, કરન્સી, શેરબજાર પછી હવે ફરી
ધાતુઓ ખુબ તોફાની થશે

ગતાંક માં જણાવ્યું હતું કે તમામ બજારો વધુ તોફાની થશે. ઉપરાંત એ પણ જણાવ્યું હતું કે હવે નવા સમીકરણો, અભિગમો ટ્રેડરોએ કેળવી લેવા જોઈએ, કેમકે એવું બને કે ડોલર વધે અને શેરબજાર પણ વધે અને સોનું ઘટે. અઠવાડિયા દરમ્યાન આ તમામ ઘટનાઓ આપણે જોઈ. અઠવાડિયા દરમ્યાન ડોલર મોટેભાગે 55 ની ઉપર રહ્યો, છતાં પણ સોનું સતત ઘટતું રહ્યું. શેરબજાર માં એક દિવસ પાંચસો પોઈન્ટ નો કડાકો બોલાયો પણ પછી જે તોફાન જોવાયું તે ઘણું મોટું રહ્યું. જયારે સોના માટે ગતાંક માં જણાવ્યું હતું કે 1409 ડોલર ની નીચે નો બંધ આવતા ગ્લોબલ માર્કેટ માં કડાકો જોવાય. આગલા કડાકા ના બરાબર એક મહિના બાદ 15 તારીખે 1395 ડોલર નો બંધ જોવાયા બાદ સોના માં 1358 ડોલર સુધીનો કડાકો બોલાઈ ગયો છે. હવે આ અઠવાડિયે તમામ ધાતુઓ માં ખુબ મોટા રમખાણ માટે તૈયાર રહો. આગામી અઠવાડિયું મોટી વધઘટ નું છે. યાદ રહે, કે આગામી સપ્તાહ વધઘટ નું છે અને નહી કે ફક્ત ઘટાડા નું કે ફક્ત વધારા નું. શેરબજાર, સોનું-ચાંદી, કરન્સી તમામ બજારો માં મોટા તોફાનો જોવાશે. આગામી સપ્તાહ ટ્રેડીંગ માટે નો શ્રેષ્ટ અવસર બની રહે અગર મોટા ઉછાળે વેચવાની અને મોટા કડાકે લેવાની આવડત હોય તો.

શા માટે મોટી વધઘટ ની શક્યતા?

  • ડોલર ઇન્ડેક્ષ : અઢી વર્ષ ના સર્વોચ્ચ સ્તરે 
  • ડોલર રૂપિયા સામે:  55.15 ની ટ્રેન્ડ-લાઈન પાસે 
  • સોનું (યુએસ): કડાકા ના એક મહિના બાદ ફરી બોટમ પાસે
  • નિફ્ટી: સવા બે વર્ષ ના સર્વોચ્ચ સ્તરે
  • ડાઉ જોન્સ: સતત 26 અઠવાડિયા વધીને લાઈફ-હાઈ પર 


મોટી વધઘટ માટે ના જવાબદાર પરિબળો

ડોલર ઇન્ડેક્ષ : છેલ્લા બે અઠવાડિયા માં ડોલર માં જબ્બર સુધારો જોવાતો રહ્યો છે. છેલ્લા છ માસ થી જે યેન કેરી ટ્રેડ ની આપણે ચર્ચા કરીએ છીએ તે યેન ની નરમી ના લીધે ડોલર માં સતત સુધારો જોવાયો છે. ડોલર યુરો ની સામે પણ ઝડપ થી સુધરી રહ્યો છે. એપ્રિલ મહિના દરમ્યાન યુરો માં સુધારો નોધાયો હતો, પરંતુ મે મહિના ની શરૂઆત થી જ ડોલર યુરો સામે સતત સુધરતો રહ્યો. યુરો ના ઘસારા ને લીધે યુરોપીયન બજારો થોડા નરમ રહ્યા અને આપણા ત્યાં શેરબજાર માં પણ ટ્રેડરો ઉછાળે વેચતા રહ્યા. સરવાળે ઘટતા યેન અને વિદેશી રોકાણકારો ની લેવાલી ને પગલે આવેલી શેરબજાર ની તેજી માં પણ ટ્રેડરો વેચવાલી માં ફસાયા. જોકે એ આપણી ચર્ચા નો વિષય નથી. ડોલર ઇન્ડેક્ષ વીકલી ચાર્ટ પર કદાચ થ્રી વ્હાઈટ સોલ્જર પેટર્ન બનાવે એવી શક્યતાઓ છે. પણ, ડોલર ની તોફાની ચાલ બજારો ને ધમરોળશે. ડોલર ના સુધારા ની સાથે સાથે અમેરિકા ના શેરબજાર માં પણ તોફાની તેજી જોવાઈ છે અને હાલ માં ડાઉ જોન્સ ઈ લાઈફ-ટાઈમ હાઈ પર છે. ડાઉ છેલ્લા છવ્વીસ અઠવાડિયા થી એકધારો વધી રહ્યો છે.

ડોલર રૂપિયા સામે: ડોલર ના ગ્લોબલ તરખાટ સામે આ વખતે રૂપિયો જબ્બર ટકી રહ્યો છે. રીટેલ માં વિદેશી રોકાણ ને આપેલી મંજુરી, સોના ની આયાત અંકુશિત કરવાનું રીઝર્વ બેંક - સરકાર નું વલણ, વ્યાજદરો કાબુ માં રાખવા ની નીતિ જેવા પગલા ના લીધે રૂપિયો હાલ માં ટકી રહેવા માં સફળ રહ્યો છે. 2011-12 માં જયારે ડોલર ઇન્ડેક્ષ સ્થિર હતો ત્યારે રૂપિયો ડોલર સામે સતત ઘસાતો રહ્યો હતો. રૂપિયા ના આ ઘસારા ને લીધે જ તો સોના માં બે વર્ષ માં ઉછાળા જોવાતા રહ્યા હતા જેના વિષે આપણે અગાઉ અનેક વખત ચર્ચા કરી છે. રીઝર્વ બેંક ની પોલીસી બાદ રૂપિયા માં એક વખત સુધાર જોવાયો હતો અને ડોલર સામે રૂપિયો 54 ની નીચે પણ રહ્યો. પણ, ડોલર ગ્લોબલ માર્કેટ માં તોફાની બનતા રૂપિયો તેના 54 ના લેવલ ને પણ પાર કરી 55 ની ઉપર બંધ રહ્યો છે. 55.10 ની સપાટી ના અવરોધ ની ઉપર ડોલર ની રૂપિયા સામે પણ તાકાત જોવાઈ શકે.

ગ્લોબલ માર્કેટ માં સોનું: 16 મી એપ્રિલ ના રોજ સોના માં 1321 ડોલર સુધીનો કડાકો બોલાયો હતો. ત્યારબાદ સોનું સુધરી ને 1488 ડોલર સુધી જોવાયું. પણ, 88 ડોલર ના તેના મોટા અવરોધ ને પાર કરવા માં સોનું સફળ રહ્યું નથી. મે મહિના ની શરૂઆત માં જે 1488 ડોલર નો હાઈ બન્યો (આપણા તે અઠવાડિયા ના અંક માં સોના માટે 1488 ડોલર નો અવરોધ જણાવ્યો હતો), ત્યાંથી સોનું ફરી ઘટવા માંડ્યું છે. ગયા અઠવાડિયે સોનું 1359 ડોલર બંધ રહ્યું છે. ડોલર ઇન્ડેક્ષ ની તાકાત જોતા આ અઠવાડિયે સોનું તેના 1321 ડોલર ના બોટમ ને ફરી ટેસ્ટ કરે કે તોડે પણ. આ બોટમ ની પાસે મોટી અફડાતફડી રહે અને ભલભલા ના ગણિતો ઉંધા પડે એવા ઘાટ જોવાઈ શકે. માટે અઠવાડિયા દરમ્યાન સાવચેતીપૂર્વક વેપાર કરવો.



સાપ્તાહિક ટ્રેન્ડ 

સોનું: ગ્લોબલ માર્કેટ માં શરુ થયેલ વેચવાલી માં આગળના 1321 ડોલર ના બોટમ પાસે મોટું તોફાન જોવાય. એમસીએક્સ વાયદા માં અગાઉ નું 25270 નું બોટમ તુટવા ની શક્યતાઓ વધારે છે. આ બોટમ તૂટતા બીજા ચારસો થી આઠસો રૂપિયા સુધીના નીચા ભાવો જોવાઈ શકે છે. સાથે-સાથે એ પણ સાચું કે જો અગાઉ ના આ 25270 ના બોટમ પાસે ટેકો જળવાયો તો ત્યાં થી 700 થી 900 રૂપિયા નો કાતિલ ઉછાળો પણ જોવાઈ શકે છે. ટુકમાં, આ બોટમ પાસે તેજી કે મંદી ગમે તે સોદો કર્યો પછી વાત નસીબ પર જ છોડવી પડે. સોદો કર્યા પછી 500 - 700 પોઈન્ટ નો નફો થાય કે નુકશાન, મુવમેન્ટ મોટી જ રહે.

ચાંદી: સોના ની વેચવાલી ના પગલે ચાંદી તો ગયા અઠવાડિયે જ અગાઉ ના 22 ડોલર ના બોટમ ની પાસે પહોચી ચુકી છે. આ અઠવાડિયે એ 22 ડોલર નું બોટમ તૂટતા ચાંદી માં ફ્રી-ફોલ જેવો માહોલ સર્જાય, પણ ચાંદી માં 41000 ની આસપાસ લેવાલી આવી જાય તેવી શક્યતા છે.

કોપર અને અન્ય ધાતુઓ: એપ્રિલ મહિના ના અંત માં કોપર માં 362 સુધીનો કડાકો બોલાઈ ગયો હતો. ત્યારે બજાર માં કોપર ની 333 રૂપિયા સુધીના ઘટાડા ની ચર્ચાએ જોર પકડ્યું હતું. પણ મે મહિના ની શરૂઆત થી જ કોપર માં સતત લેવાલી જોવાઈ છે. ડોલર ના સુધારા ને લીધે ગ્લોબલ માર્કેટ માં પણ આ ધાતુઓ ના ભાવ સુધરવા માંડ્યા છે. ગયા અઠવાડિયે બુધ અને ગુરુવાર ના રોજ કોપર માં 392 રૂપિયા સુધી ના નીચા ભાવો જોવાયા, પરંતુ ત્યારબાદ કોપર 400 ના આંક ની ઉપર જ ચાલી રહ્યું છે. આગામી અઠવાડિયે આ બુધ-ગુરુ ના નીચા ભાવ મહત્વ ના ટેકા બની રહે અને કોપર માં તેજી જળવાય. પણ, યાદ રહે કે ગ્લોબલ માર્કેટો તોફાની હોવાને લીધે સીધે-સીધી તેજી ન પણ જોવાય. હાલ માં કોપર માં 410 રૂપિયા નો અવરોધ છે. 412 ની ઉપર નો બંધ જોવાતા કોપર ફરી 433 ના લેવલ તરફ આગળ ધપે. આ તેજી ની ચાલ માટે 392 નું અડીખમ રહેવું આવશ્યક છે. જયારે એલ્યુમીનીયમ, લેડ અને ઝીંક માં પણ કોપર ની જેમ જ ગયા અઠવાડિયા ના બુધ અને ગુરુવાર ના નીચા ભાવો મહત્વ ના ટેકા છે. હાલ માં આ તમામ ધાતુઓ માં શુક્રવાર ના ઊંચા ભાવો અવરોધ છે અને તેની ઉપર ના બંધ જોવાતા આ તમામ ધાતુઓ માં તેજી ની ચાલ જોવાઈ શકે. તેજી ની ચાલ જળવાવા માટે ગુરુવાર ના નીચા ભાવો નું અકબંધ રહેવું જરૂરી છે. ઝીંક માં ગુરુવાર નો નીચો ભાવ હતો 98.65 જયારે લેડ માં હતો 106.85. હવે, આ ભાવો મહત્વ ના ટેકા છે. એલ્યુમીનીયમ માં શુક્રવાર નો ઉંચો ભાવ 101.75 મહત્વ નો અવરોધ છે અને એની ઉપર નો બંધ જોવાયા બાદ વધુ સુધાર જોવાય. નિકલ માં કોપર અને લેડ ની સરખામણીએ સુધારો જોવાયો નથી. એમાં પણ જોકે ગુરુવાર નો નીચો ભાવ 811.60 મહત્વ નો ટેકો છે, જે અકબંધ રહેતા સુધારો જોવાય.

ક્રુડ: ધાતુઓ ની સાથે-સાથે ક્રુડ માં ગુરુવાર ના નીચા ભાવો થી તોફાની થયું છે. યુએસ માર્કેટ માં જો કે 96.88 ડોલર ના અવરોધ પાસે ગયા અઠવાડિયે ક્રુડ વધતું અટકી ગયું, પણ આ અઠવાડિયે 98 ડોલર વટાવતા ક્રુડ માં ફરી તોફાન જોવાઈ શકે. જે રીતે ડોલર ઇન્ડેક્ષે સુધારો બતાવવા માંડ્યો છે, એ જોતા ક્રુડ પણ તોફાની ચાલ બતાવે. એમસીએક્સ માં હવે શુક્રવાર નો નીચો ભાવ 5206 અકબંધ રહેતા ક્રુડ 5500 સુધી નો ઉછાળો બતાવી શકે છે.

સરવાળે આ અઠવાડિયે ડોલર ની છેલ્લા બે અઠવાડિયા દરમ્યાન જોવાયેલી સુધારા ની ચાલ જળવાઈ રહેતા ગ્લોબલ બજારો મોટાપાયે ધમરોળાય. ગ્લોબલ માર્કેટ માં ડોલર સુધરતા સોના ની વેચવાલી જોર પકડે પણ સુધરતા ડોલર ને લીધે અન્ય ધાતુઓ તેમ જ ક્રુડ ના ભાવો માં ઉછાળા જોવાય. આરબીઆઈ પોલીસી વખત ના આપણા અંક માં જણાવ્યું હતું કે આપણા વ્યાજદરો ના ફેરફારો કરતા યુરોપીયન બેન્કે જે વ્યાજદર ઘટાડ્યા છે તે આપણા બજારો માટે નું નિર્ણાયક પરીબળ બની રહે. છેલ્લા છ મહિના માં જાપાની રોકાણકારો ની યુરોપીયન બોન્ડ માં લેવાલી ને લીધે યુરોપીયન બજારો માં મોટાપાયે રોકાણો આવી રહ્યા હતા. યુરોપીયન સેન્ટ્રલ બેન્કે આ વ્યાજદર ઘટાડ્યા તેના લીધે આ રોકાણો નો પ્રવાહ ધીમો પડ્યો અને તેના પગલે યુરો માં નરમી રહી. યુરો ની નરમી થી છ મહિના થી યેન સામે સુધરી રહેલ ડોલર વધુ તોફાની થયો છે. પણ ડોલર યેન સામે પણ ઓવર-બોટ ઝોન માં છે સાથે સાથે યુરો તેના એપ્રિલ ના બોટમ પાસે ટેકો જાળવે તેવી પણ શક્યતા છે. એટલે, આ અઠવાડિયે પણ શેરબજાર, કરન્સી કે બુલિયન મોટી વધઘટ માટે ટ્રેડરે તૈયાર રહેવું.





















Saturday, 11 May 2013

કરન્સી, કોમોડીટી, શેરબજાર 
હજી પણ તોફાની બજારો જોવાશે 

આપને સહુ બજાર માં ક્યારેક મોટા ફેરફારો, બદલાવો ને નજરઅંદાજ કરીએ છીએ. ઘણી વખત આપણે આવા ફેરફારો ને માપવા માં થાપ ખાઈએ છીએ અને એની કિંમત ઘણી મોટી હોય છે. બીઝનેસ ગાર્ડિયન ની આપણી આ કોલમ માં સાપ્તાહિક લેવલ, ટ્રેન્ડ સપોર્ટ, અવરોધ ની સાથે સાથે આપણે આવા ગ્લોબલ સમીકરણો ની ચર્ચા પણ કરતા રહીએ છીએ. છેક નવેમ્બર માસ થી આપણી આ કોલમ માં "યેન કેરી ટ્રેડ" વિષે વારેવારે લખતા રહીએ છીએ. નવેમ્બર માસ માં આ યેન વિષે પહેલી વખત લખ્યું ત્યારે ડોલર યેન સામે હતો 81. ગયા શુક્રવાર ના રોજ આ ડોલર યેન સામે બંધ રહ્યો છે 101.6. ધ્યાન રહે કે આ કોઈ શેર, ઇન્ડેક્ષ કે કોમોડીટી નથી. આ વાત થઇ રહી છે દુનિયા ની પાંચ મોટી કરન્સી માની એક ની. છ મહિના માં આ  કરન્સી માં ત્રીસ ટકા નું તોફાન! આ તોફાને ગ્લોબલ માર્કેટ ને ધમરોળ્યું છે અને હજી પણ ધમરોળશે. બજાર માં નવા સમીકરણો નવા ગણીતો રચાયા છે. હાલ માં એવું બને કે ડોલર વેચાણ ની સામે નિફ્ટી વેચાણ રાખી હોય અને બન્ને પોઝીશન માં નુકશાન થાય. બજારો ખુબ તોફાની થયા છે અને નાનીઅમથી ભૂલ મોટું નુકશાન કરાવી શકે એમ છે.માટે આજ ની આપણી કોલમ માં આપણે ડોલર, સોનું, ચાંદી, ક્રુડ, કોપર અને નિફ્ટી ના એવા ટેકા અને અવરોધો ની વાત કરીશું કે જેની ઉપર કે નીચે નો બંધ જોવાય તો પોઝીશન માં ઝડપી નિર્ણય લેવો.

સોનું: સોના નો સપાટો આ વખતે સુધરતા ડોલર ને આભારી છે. 2011 પછી આપણા બજાર માં જે સોના ની તેજી ચાલી હતી, તે રૂપિયા ના ઘસારા ને લીધે હતી. જયારે આ વખતે ડોલર ના સપાટાએ સોના ની લેવાલી ધીમી પાડી સાથે સાથે છેલ્લા બે વર્ષ માં રૂપિયા નો જે ઘસારો જોવાયો હતો તેના લીધે રીઝર્વ બેંક પણ સફાળી જાગી છે અને આપણી કુલ આયાતો માં ક્રુડ પછીની બીજી સહુથી મોટી આયાત સોના ને અંકુશિત કરવા માટે પગલા લેવા લાગી છે. 1600 ડોલર થી 1320 ડોલર ના બે અઠવાડિયા ના કડાકા બાદ હાલ માં સોનું સરવાળે 1410 ડોલર ની ઉપર સ્થિર થયું છે. છેલ્લા બે અંકો માં જે આપણે 1432 થી 1520 ડોલર ની રેંજ ની ચર્ચા કરીએ છીએ તે રેંજ માં હાલ માં સોનું ઘુટાતું રહે. 1480, 1492 આ રેંજ ના મોટા અવરોધ છે. જયારે 1409 ની નીચેનો બંધ આવે તો ગ્લોબલ માર્કેટ માં સોના માં ફરી વેચવાલી આવે, તે સિવાય સોનું 1420 થી 1520 ની આ સો ડોલર ની રેંજ માં ઘુંટાય. યાદ રહે કે 1409 ડોલર ની નીચે નો બંધ મોટો કડાકો લાવે અને નહી કે ઇન્ટ્રા-ડે ની મુવમેન્ટ.ક્યારેક કોઈ મોટા સપાટા માં દિવસ દરમ્યાન 1403 - 1398 ડોલર ના કડાકા જોવાઈ પણ શકે. આવા કડાકા માં જે તે દિવસ નો બંધ જ નિર્ણાયક સાબિત થાય

ચાંદી: જ્યાં સુધી હવે ગ્લોબલ માર્કેટ માં 23.45 ડોલર ની ઉપર ચાંદી ટકેલી રહે, નવી મંદી ની શક્યતા નથી. ચાંદી માં દિવસ, અઠવાડિયા દરમ્યાન ઘટાડા જોવાતા રહ્યા છે, પણ બંધ ઉપર ના સ્તરો પર આવી રહ્યો છે. ગ્લોબલ માર્કેટ માં હાલ માં 23.85 ડોલર બંધ રહેલ ચાંદી હવે 24.25 ડોલર વટાવતા સારી તેજી બતાવે. ઉછાળે 24.58 અને 24.90 સાપ્તાહિક અવરોધ રહે.

ક્રુડ: ગ્લોબલ માર્કેટ માં આમ તો ક્રુડ હાલ માં 93.25 થી 97 ડોલર ની રેંજ માં છે, પણ 97 ડોલર ની ઉપર નો બંધ જોવાતા ક્રુડ 100 ડોલર ના આંક ને પાર કરે તેવી શક્યતાઓ પ્રબળ છે. 94.85 ડોલર ની નીચેની ચાલ જળવાઈ રહેતા ક્રુડ માં નરમી જોવાય. ડોલર જે રીતે તોફાની થયો છે, અમેરિકા અને યુરોપ ના બજારો જે રીતે ઉછાળા મારી રહ્યા છે, તે જોતા ક્રુડ માં 97 ડોલર ની ઉપર નો બંધ મોટા તોફાનો સર્જી શકે.

કોપર: 365 -70 થી શરુ થયેલ સુધારો હાલ માં તો 415 આસપાસ અવરોધાતો જોવાય. ફેબ્રુઆરી ના બીજા અઠવાડિયા થી તમામ ધાતુઓ માં વેચવાલી જોવાઈ હતી. આ વેચવાલી ગયા અઠવાડિયે અટકી અને ધાતુઓ માં ઉછાળા પણ જોવાયા. કરન્સી ની મોટી વધઘટ ને લીધે તમામ ધાતુઓ ની ચાલ તોફાની રહી છે. હજી પણ આ તમામ ધાતુઓ માં ગમે તેવા લેવલ અનુસરીએ, સ્ટોપલોસ જાળવીએ પણ કરન્સી ની વધઘટ માં બધાજ લેવલો ઉંધા પડે. છતાં પણ હાલ માં તો કોપર માં 415 ને અવરોધ માનવો અને જ્યાં સુધી તેની ઉપરનો બંધ ન જોવાય, ટ્રેન્ડ નરમી નો રહે.

લેડ: ગયા અઠવાડિયા ના આપણા 111 ના સ્તર ની આસપાસ લેડ માં સુધારો અટકતો જોવાયો છે. હવે લેડ માં 106 મહત્વ નો ટેકો છે અને સપ્તાહ દરમ્યાન આ સ્તર સુધીના ઘટાડા માં લેડ માં લેણ કરી શકાય. લેડ માં 105 ઇન્ટ્રા-ડે માં પણ તૂટે તો તેજી માં રહેવું જોખમી બને. 111 ના અવરોધ ની ઉપર નો બંધ જોવાતા લેડ ફરી ચાર મહિના અગાઉ ની તોફાની તેજી ની ચાલ બતાવે.

એલ્યુમીનીયમ: એલ્યુમીનીયમ માં પણ લેડ જેવી જ ચાલ છે અને 103 ની ઉપર તોફાની ચાલ જોવાય જયારે 97.90 ઇન્ટ્રા-ડે માં પણ તૂટતા એલ્યુમીનીયમ જોખમી બને.

ડોલર: સહુ થી મોટું પરીબળ હાલ માં બજાર માં ડોલર ની ચાલ છે. એક તરફ તો ડોલર યુરોપીયન યુરો સામે પણ સુધરી રહ્યો છે, તો એશિયા ના યેન સામે તોફાની તેજી માં છે. રીઝર્વ બેંક ના વ્યાજદર ઘટાડા બાદ રૂપિયા માં સુધાર ની આશા હતી, પણ ફરી અઠવાડિયા ના છેલ્લા દિવસે ડોલરે તોફાની ચાલ બતાવી છે. આ વખતે 2011 ની જેમ ડોલર ફક્ત રૂપિયા સામે જ નહી પણ બધીજ કરન્સી સામે જબ્બર તાકાત બતાવી રહ્યો છે. હાલ માં યુએસ ડોલર ઇન્ડેક્ષ કે જે ગયા અઠવાડિયે 83.14 બંધ રહ્યો, તેમાં 83.50 નો જ અવરોધ છે, જે વટાવતા ડોલર ગ્લોબલ માર્કેટો ને ધમરોળશે. યાદ છે, આપણો દિવાળી વિશેષાંક "ડોલર ઇન્ડેક્ષ નક્કી કરશે નવી દિશા". છેલ્લા બે અંકો થી આપણી કોલમ માં કરન્સી બજારો વિષે લખતા રહ્યા છીએ. રૂપિયા સામે પણ ડોલર તોફાની ચાલ બતાવી રહ્યો હોઈ, આપણું બજાર પણ આ તોફાન માંથી બાકાત રહી શકે નહી. ડોલર રૂપિયા સામે જે 54.80 ના સ્તરે પહોચ્યો છે, તે જોતા ડોલર ની રૂપિયા ની ચાલ બજાર ને મોટા પાયે ધમરોળે. વિદેશી રોકાણકારો ની લેવાલી માં શેરબજાર જળવાય અને કરન્સી માં પણ મોટી અફડાતફડી જોવાય એવો ઘાટ છે.

હાલ માં બજાર માં એક વાત વારેવારે સાંભળવા મળે છે કે "ગામ ચાંદી માં લેવાલ છે, ગામ નિફ્ટી માં લેવાલ છે, ગામ બેંકનિફ્ટી માં વેચવાલ છે." ગામ જે કરે તેના થી ઊંધું જ થવાનું, એ વાત તદ્દન
સાચી પણ ગામ લેવાલ છે કે વેચવાલ એના માપદંડ શું? ફન્ડામેન્ટલ, ટેકનીકલ કે એસ્ટ્રો બધા જ બજાર ના અનુમાનો માં આ માસ સાયકોલોજી નું તત્વ સમાયેલું જ છે. માસ સાયકોલોજી પર આગળ ફરી ક્યારેક ચર્ચા કરીશું. હાલ માં બજાર ના સંજોગો એવા છે કે રૂપિયો નરમ પડે, સોનું પણ નરમ પડે અને રૂપિયા ના ઘટાડા છતાં શેરબજાર માં તેજી જળવાયેલી રહે. ટુકમાં જે અગાઉ આપણે વારેવારે જણાવ્યું હતું કે ટ્રેડરોએ છેલ્લા ચાર વર્ષ માં શીખેલા, કેળવેલા જુના અભિગમો, સમીકરણો બદલવાની જરૂર છે. આ નવા સમીકરણો, અભિગમો હવે બજાર માં કામ લાગશે.






Friday, 3 May 2013

કરન્સી ના આ બદલાયેલા ટ્રેન્ડ
બજાર માં નવા સમીકરણો રચશે

અઠવાડિયા ના છેલ્લા દિવસે રીઝર્વ બેંક ની પોલીસી જાહેર થઇ અને પોલીસી માં ધારણા મુજબ ના વ્યાજદરો માં ઘટાડા પણ થયા. હા, જો કે બજાર ની અપેક્ષા અડધા ટકા ના વ્યાજદર ઘટાડા ની હતી, જેની સામે રીઝર્વ બેન્કે પા ટકા નો ઘટાડો કર્યો. જયારે આવી મોટી ઇવેન્ટ બની હોય, ત્યારે વાચક મિત્રો ની અપેક્ષા આ વ્યાજદર ના ઘટાડા ની સંભવિત અસરો કે તેના પરિણામો વિષે જાણવાની હોય તે સ્વાભાવિક છે. પરંતુ આપણી આજની કોલમ માં આના વિષે આપણે કોઈ ચર્ચા કરીશું નહી. કેમકે વ્યાજદર ઘટવાના હતા એતો અપેક્ષિત જ હતું. માટે જ તો ગયા અઠવાડિયા ના અંક માં વાચકમિત્રો ને રૂપિયા માં મોટી વધઘટ માટે તૈયાર રહેવા સૂચવ્યું હતું. જયારે અર્થતંત્ર માં નાણાં નો પ્રવાહ વધે, લીક્વીડીટી સુધરે એટલે બજારો પણ સુધરે અને વ્યાજદરો પણ ઘટે કે જયારે મોટા રોકાણો પાછા ખેચાય તો આનાથી વિપરીત થાય. હમણા એક ફિલ્મ જોઈ જેમાં ભગવાન તેમના ભક્ત ને કહે છે કે "હું કૃષ્ણ છું માટે ચમત્કાર કરું છું. ચમત્કાર કરું છું માટે કૃષ્ણ નથી." એમ આપણા બજારો માં પણ અર્થતંત્ર વેગવંતુ બનવા માટે એટલે બજારો સુધરવા માંડે અને નહી કે અર્થતંત્ર ના સુધારા સમાચાર રૂપે પ્રગટ થાય ત્યારે. આરબીઆઈ ની પોલીસી પહેલા જ બેંકનિફ્ટી બાર ટકા વધી ગઈ અને પોલીસી જાહેર થઇ એ અઠવાડિયે બેંક-નિફ્ટી માં એક ટકા નો ઘટાડો નોધાયો. છેલ્લા ત્રણ અઠવાડિયા થી બેન્કિંગ ઉપરાંત ઓટો શેરો માં પણ તેજી નું તોફાન ચાલે છે, તો આ અઠવાડિયે આ લાર્જ કેપ શેરો માં ચાલતી લેવાલી ધીમી પડી. આરબીઆઈ ની આ પોલીસી ની સંભવિત અસરો ની ચર્ચા આપણે આવતા અઠવાડિયે કરીશું પણ આજે આપણે એક એવા ગ્લોબલ પરીબળ ની ચર્ચા કરીશું જેણે નવેમ્બર માસ પછી ગ્લોબલ માર્કેટો ને ધમરોળ્યા છે, અમેરિકા ના બજાર માં લાઈફ-ટાઈમ હાઈ જોવાયો અને દેવળિયા યુરોપીયન દેશો ના બજારો માં પણ મોટા ઉછાળા જોવાયા તો સલામત રોકાણ ના વિકલ્પ એવા સોના માં કડાકો નોધાયો. ગતાંક માં આપણે યેન કેરી ટ્રેડ નો ઉલ્લેખ કર્યો હતો, તેના પર આજે વિગતે વાત કરીએ.


ઉગતા સૂર્ય નો દેશ જાપાન
વિશ્વ ના સહુ થી પૂર્વીય છેવાડે આવેલ આ દેશ તેના ભૌગોલિક સ્થાન ને લીધે ઉગતા સૂર્ય "લેન્ડ ઓફ રાઈસિંગ સન" તરીકે ઓળખાય છે. બીજા વિશ્વયુદ્ધ માં ઇટલી અને જર્મની ના પતન છતાં જાપાને નમતું જોખ્યું નહોતું અને છેવટે અમેરિકા એ હિરોશીમા અને નાગાશાકી નામના બે શહેરો પર અણુ-બોમ્બ ઝીક્યા અને જાપાનને હાર કબૂલવી પડી એ આપણે સહુ જાણીએ છીએ. વિશ્વયુદ્ધ ના આ કારમા પરાજય પછી જાપાની પ્રજા પોતાના રાષ્ટ્ર ના નિર્માણ માં પુરા જોશ થી લાગી ગઈ. જાપાની કામદારો, કર્મચારીઓ દિવસ ના પંદર-સોળ કલાક મહેનત કરી, દેશ નું કુલ ઉત્પાદન અને નિકાસ વધારવા ના ભગીરથ કાર્ય માં જોડાઈ ગયા અને તેના પરિણામો પણ ધારણામુજબ ના હાસિલ કર્યા.મિત્સુબીસી, સુઝુકી, સોની જેવી કંપનીઓ સિત્તેર ના દસક માં મહેનત અને ટેકનોલોજી ના પર્યાય બની ગઈ. જાપાને પોતાની ધરખમ નિકાસો દ્વારા આખી દુનિયા ને ચોકાવી નાખી.

ટેકનોલોજી માં અવ્વલ જાપાન નો યેન પાત્રીસ વર્ષ સુધી સુધર્યો
વિશ્વયુદ્ધ માં પરાજય બાદ જાપાન ની કરન્સી સતત ઘસાતી રહી હતી અને ડોલર યેન સામે 300 ના સ્તર ને પાર કરી ગયો હતો. પણ, જ્યાં જાપાને પોતાની નિકાસ ની તાકાત નો પરચો આપ્યો, યેન માં સુધારા ની શરુઆત થઇ અને યેન સતત સુધરતો રહ્યો છે. ડીસેમ્બર 1975 માં ડોલર યેન સામે જે 303 હતો, તે ગયા વર્ષે ઓક્ટોબર માસ માં હતો 77. આમ, છેલ્લા સાડત્રીસ વર્ષ થી યેન ડોલર સામે સુધરતો રહ્યો.

જાપાન માં ઇન્ફલેશન નહી પણ ડીફલેશન
એક તો દિવસ ના પંદર કલાક મહેનત કરવાની જાપાનીલોકો ની નિષ્ઠા અને એમાં પણ સતત સુધરતી કરન્સી. કરન્સી સતત સુધરતી હોય, તેનો પર્ચેસિંગ પાવર વધતો હોય એટલે આવશ્યક વસ્તુઓ, સેવાઓ ના ભાવો ઘટતા રહે અને લોકો ખરીદી કરવાનું સતત ભવિષ્ય પર ટાળતા રહે, કેમકે આવનાર સમય માં ભાવો વધુ સસ્તા રહેવાના? એટલે બજારો માં મંદી નો માહોલ સતત જળવાયેલો રહે. પાછી કરન્સી સતત સુધરતી હોય એટલે નિકાસકારો ને કમાયેલ ડોલર ની વેલ્યુ પણ નીચી મળે.આથી સરવાળે નિકાસો ને પણ કોઈ પ્રોત્સાહન રહે નહી. આમ, સુધરતા યેન ને લીધે ડીફ્લેસન જાપાન ની સમસ્યા બની ગઈ હતી, જેનો સીધો ઉપાય હતો યેન ને નરમ કરવાનો. ગયા અઠવાડિયા ના આપણા અંક માં આપણે જોયું કે જયારે 2002 થી 2008 સુધી ડોલર નરમ રહ્યો તો આપણા શેરબજાર ઉપરાંત સોના માં પણ તોફાની તેજી થઇ. યેન પણ વૈશ્વિક કરન્સી હોઈ તેની અસરો ગ્લોબલ માર્કેટ માં વર્તાશે જ.

યેન કેરી ટ્રેડ
છેલ્લા પાત્રીસ વર્ષોથી આમ તો જોકે યેન ડોલર સામે સુધરતો જ રહ્યો છે, પરંતુ ઘણી વખત બે-એક વર્ષ માટે જાપાને પોતાની કરન્સી ને નરમ રાખવાનું વલણ અપનાવ્યું હતું. હવે જયારે સરકાર તેની કરન્સી નરમ રાખવાની નીતિ અપનાવે, ફિક્સ ડીપોઝીટો પર વ્યાજદર શૂન્ય કરી નાખે, બજાર માં નાણાં નો સપ્લાય વધારી દે, તે સંજોગો માં લોકો ને પોતાની બચતો પર વ્યાજ મેળવવા માટે અન્ય સ્ત્રોતો માં રોકાણ કરવું પડે. અગાઉ જયારે - જયારે જાપાની સરકાર યેન નરમ રાખવાની નીતિ અપનાવતી, ત્યારે જાપાની લોકો પોતાની બચતો પર વળતર મેળવવા માટે અમેરિકા કે યુરોપ ના સરકારી બોન્ડ માં રોકાણ કરતા. જયારે આ રોકાણ ને છ - બાર મહીને પાછું પોતાના દેશ માં લઇ જવાનું થાય ત્યારે ડોલર કે યુરો ના બદલા માં આવા રોકાણકાર ને વધારે યેન પાછા મળે કેમકે સરકારે યેન ને નરમ રાખવાની નીતિ અમલ માં મૂકી હોય. આમ જયારે જયારે યેન કેરી ટ્રેડ માં પોઝીટીવ રીટર્ન મળે ત્યારે જાપાન માંથી નાણાં નો પ્રવાહ વૈશ્વિક બજારો માં ઠલવાય.

છેલ્લા પાંચ મહિના માં બુલિયન, ગ્લોબલ માર્કેટ
ડોલર યેન સામે (USDJPY): 29%
ડાઉ જોન્સ ઈ: 11%
સોનું (યુ એસ): 16%

યેન કેરી ટ્રેડ ની ભારતીય બજાર પર અસર
યાદ છે 2007-08 ની શેરબજાર ની તોફાની તેજી. જયારે આ તેજી તેના અંતિમ ચરણ માં હતી, ત્યારે ઘણા વિશ્લેષકો યેન માં તે સમયે શરુ થયેલ ઉંધા બદલા વિષે વારેવારે જણાવતા હતા. આપણા બજાર માં પણ નવેમ્બર માસ થી સોના માં નરમી, રૂપિયા માં સ્થિરતા અને શેરબજાર માં વધઘટે લેવાલી જળવાયેલ છે. જોકે યુએસ, જાપાન, ફ્રાંસ ના શેરબજારો જેવા મોટા તેજી ના તોફાનો આપણા બજાર માં નથી જોવાયા, પરંતુ, રોકાણ ના પ્રવાહો ના અત્યાર સુધી ના ટ્રેન્ડ પર નજર કરીએ તો મોટાભાગે વૈશ્વિક રોકાણકરો ની પહેલી પસંદ વિકસિત બજારો અને ત્યારબાદ વિકાસશીલ બજારો રહી છે.શરૂઆત માં વિકસિત અર્થતંત્રો માં રોકાણો થાય અને પછી એ વિકસિત અર્થતંત્રો ધ્વારા વધુ વ્યાજ, નફો રળવા માટે વિકાસશીલ દેશો માં રોકાણો કરે. આ અઠવાડિયે જ યુરોપીયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદર ઘટાડ્યા. એટલે હવે યુરોપીયન બોન્ડ માં રોકાણ કરનાર ને ઓછું વ્યાજ મળશે. આનો મતલબ એ નથી કે હવે આપણા બજારો માં સીધે-સીધી તેજી જોવાય અને રૂપિયો સીધો સુધારા તરફી રહે. યુપીએ - 2 ના શાશન માં ભાગ્યેજ કોઈક ત્રિમાસિક ગાળો એવો ગયો હશે કે જયારે સરકાર ના અસ્તિત્વ સામે ખતરો ન હોય. બજેટ પહેલા જાન્યુઆરી માસ માં જયારે બજારો માં ખુબ તેજી હતી ત્યારે એઆઈડીએમકે એ સરકાર ને ટેકો પાછો ખેચ્યો અને બજારો કડડભૂસ થયા, રૂપિયો ડોલર સામે વધુ નરમ થયો અને ગ્લોબલ માર્કેટ માં સોનું ઘટવા છતાં આપણા બજાર માં ભાવો જળવાયેલા રહ્યા. તો સામે ગયા મહીને બજાર માં કોઈ જ સારા સમાચારો નો આશાવાદ નહોતો છતાં પણ રૂપિયો પણ સુધારો બતાવવા માંડ્યો, શેરબજારો સુધર્યા અને સોના ના ભાવો પણ ઘસાયા. એ સાચું કે જયારે કોઈ મોટા અર્થતંત્ર માંથી રોકાણો નો અવિરત ધોધ શરુ થાય, તો અન્ય પરિબળો આશાવાદી ન હોવા છતાં પણ સુધારા જોવાય, પણ આપણા બજારો, કરન્સી ને હજી રાજકીય આંચકાઓ થી અલિપ્ત થવા માં હજી પણ એક-બે માસ નો સમય લાગે. ત્યારબાદ આ ઘટતો યેન રૂપિયા અને શેરબજારો માં મોટા ફેરફારો અવશ્ય બતાવે.

શીતલપૂરી ગોસ્વામી