Friday, 30 August 2013

કરન્સી માં સરપ્રાઈસ માટે તૈયાર રહો
ચાંદી માં હવે તેજી માટે 55000 ની ઉપર નો બંધ આવશ્યક


છેલ્લા બે અંકો થી આપણી કોલમ માં રૂપિયા માં કોઈક સુધાર જોવાવા વિષે લખતા રહ્યા છીએ, પણ સામે છેડે રૂપિયો તો રોજે રોજ નવા તળિયા બનાવી રહ્યો છે. મારા કેટલાક મિત્રો રૂપિયા ની આ ચાલ માં અધીરા થઇ ગયા છે અને એમનો ચોક્કસ મત છે કે રૂપિયો સુધરી શકે એવી કોઈ જ આશા નથી. હાલ માં કદાચ એકાદ વખત થોકોક સુધારો નોધાશે તો ફરી એ બમણા જોર થી તૂટે. આ સંદર્ભે હું એટલું જ કહીશ કે આપણી આ કોલમ માં માર્ચ મહિના ના અંત થી આપણે લખતા રહ્યા હતા કે USDINR માં દૈનિક ચાર્ટ પર એક ટ્રાયેન્ગલ ફોર્મેશન બન્યું છે અને આ ટ્રાયેન્ગલ નો બ્રેક-આઉટ બધાજ બજારો ને ધમરોળશે. ત્રીજી વખત 1 એપ્રિલ ના આપણા અંક માં સ્પષ્ટ લખ્યું હતું કે દૈનિક ચાર્ટ પર રૂપિયા ની 50,100 અને 200 દિવસ ની એક્ષ્પોનેન્શીય્લ એવરેજો 54 ના સ્તરે જ ઘુંટાઈ રહી છે અને માટે એક મોટા વાવાઝોડા ની શક્યતા છે. છેક દસમી મે ના રોજ આ એવરેજો નું બ્રેક-આઉટ જોવાયું અને ડોલર 54.80 બંધ રહ્યો. એ પછી ડોલર માં જે વંટોળ ફુકાયો તે રોકાવાનું નામ નથી લેતો. હા, એ વાત સાચી કે આ તોફાન આટલું મોટા પાયે હશે, તેની આપણે કલ્પના પણ નહોતી કરી. 62 ના સ્તર ને વટાવ્યા બાદ એમ લાગ્યું હતું કે હવે રૂપિયો વધુ ઘટે નહી. અગર કોઈ સ્ટોક કે ઇન્ડેક્ષ કે કોમોડીટી આમ આવા ઉછાળા કે કડાકા બતાવે તે સમઝી શકાય, પણ કરન્સી માં છેલ્લે છેલ્લે જોવાયેલું તોફાન ઘણું વધારે છે. કદાચ છેલ્લા બે અંકો માં રૂપિયા ના સુધાર માટે જે અભિપ્રાય વ્યક્ત કર્યો તે ઉતાવળિયો હોઈ શકે, પણ એ નક્કી હવે રૂપિયા માં અચાનક જ રિવર્સલ જોવાય. સ્ટોક હોય, કરન્સી હોય કે ઇન્ડેક્ષ જયારે જયારે કોઈ એક ટ્રેન્ડ સમાચાર પત્રો ની હેડ-લાઈન બને તો એ ટ્રેન્ડ નો છેલ્લો જ તબક્કો હોય. હાલ ના તબક્કે મને 2008 નો જન્યુઆરી મહિનો યાદ આવી ગયો. એક બાજુ શેરબજાર 51 ટ્રેડીંગ સેશન માં 14200 થી 21000 સુધી ઉછ્યું હતું (51 સેશન માં 50% નો ઉછાળો) , ક્રુડ ઓઈલ 145 ડોલર તરફી હતું, અમેરિકા માં સબ-પ્રાઈમ કટોકટી શરુ થઈ હતી અને રૂપિયો 42 થી પણ સુધરી ને 41, 40 અને 39.50 બતાવી ચુક્યો હતો. અમેરિકા ત્યારે ઈરાક અને અફઘાનિસ્તાન માં યુધ્ધે ચડ્યું હતું અને એમર્જિંગ માર્કેટ તરીકે ભારત તો જાણે કે વિકાસ ની હરણફાળ પર જ હતું. રૂપિયો તો જાણે કે સુધરતો જ રહેવાનો એવું લખાવા માંડ્યું હતું અને એ પછી જે યુ-ટર્ન જોવાયો છે, જાણે કે એમર્જિંગ માર્કેટ ની વિકાસયાત્રા ને મસમોટું પંચર પડી ગયું હોય. હાલ માં ભારત ના અર્થતંત્ર માં ફરી વેગ આવે એવી કોઈ જ આશા નથી. ગ્લોબલ માહોલ પણ ડહોળાયેલો છે. પણ એ પણ હકીકત છે કે દુનિયા ની બીજી સહુ થી મોટી વર્ક-ફોર્સ અને બીજો સહુ થી મોટો કન્સ્યુમર વર્ગ ભારત માં છે. યુરોપ માં ફરી વધતા પબ્લિક દેવા નો ગણગણાટ શરુ થયો છે, તો બીજી બાજુ અખાતી દેશો માં સંઘર્ષ લોહીયાળ બન્યા છે.  આપણે અખાતી દેશો ના આવા ઘર્ષણો અને કુદરતી સંપત્તિ બાબતે આવતા અંક માં ચર્ચા કરીશું પણ, હાલ માં ચર્ચા ડોલર પુરતી સીમિત રાખીએ. છેલ્લા અઠવાડિયા માં ડોલર ઇન્ડેક્ષ માં મોટો ઉછાળો નોધાયો. પણ, અહી એ નોધવું રહ્યું કે ડોલર ઇન્ડેક્ષ માં આશરે આડત્રીસ ટકા જેટલું વેટેજ યુરો નું છે અને ગયા અઠવાડિયે યુરો ડોલર સામે આશરે દોઢ ટકા ઘટ્યો. તેની સામે એમર્જિંગ માર્કેટ ની કરન્સી માં છેલ્લા ત્રણ દીવસો માં સુધારા નોધાયા. આ બધા સંજોગો એ સ્પષ્ટ કરે છે કે રૂપિયા માં અચાનક જ કોઈ પોઝીટીવ સરપ્રાઈસ દેખાઈ શકે છે.




સોનું: ગતાંક માં યુએસ સ્પોટ વિષે લખ્યું હતું કે અઠવાડિયા દરમ્યાન 1410-1435 ડોલર સુધી ની તેજી જોવાય. ગયા અઠવાડિયે યુએસ સ્પોટ માં 1433.80 ડોલર સુધીના ઉછાળા જોવાયા, પણ ત્યાં થી સોના માં ઝડપી ઘટાડો નોધાયો અને સોનું ફરી 1392 ડોલર જ બંધ રહ્યું છે. આમ, ઉછાળે ગયા અઠવાડિયે ગ્લોબ્લ્ર માર્કેટ માં સોનું ટકી શક્યું નથી. એ જોતા ફરી બે-એક અઠવાડિયા માં ગ્લોબ્લ્ર માર્કેટ માં સોના માં 1350 ડોલર સુધીનો ઘટાડો જોવાઈ શકે છે. જ્યારે એમસીએકસ વાયદા ની વાત કરીએ તો હાલ માં કરન્સી જે રીતે તોફાનો છે, તે જોતા રૂપિયા નો સુધાર નોધાય તો સોના માં એકાદ કડાકો પણ જોવાઈ શકે.

ચાંદી: ગયા અઠવાડિયે ચાંદી ની ચાલ જબ્બર તોફાની રહી. યુએસ સ્પોટ માં 23 ડોલર થી 25 ડોલર સુધી નો મોટો ઉછાળો અને પછી ત્રણ દિવસ માં 25 ડોલર થી 23.5 ડોલર સુધી નો ઘટાડો નોધાયો. ચાંદી ની આ ચાલ હવે ફરી 22.50 ડોલર સુધીનો ઘટાડો આ અઠવાડિયે બતાવી શકે. પણ, એમસીએકસ વાયદા માં લેવલ કયા રહે એ તો હાલ માં સહુથી મોટો યક્ષ પ્રશ્ન બની રહ્યો છે.  ગયા અઠવાડિયે એમસીએકસ વાયદા માં ચાંદી માં 53000 થી 59900 સુધીનો મોટો ઉછાળો અને ત્યાર પછી પાછો 53800 સુધીનો ઘટાડો નોધાયો છે. બીજું કે ચાંદી માં વીકલી ચાર્ટ જોતા હવે જો ચાંદી 55000 ની ઉપર નો બંધ ન બતાવી શકી, તો ફરી 45000 સુધીના ઘટાડા બતાવે. માટે ચાંદી માં હવે ખુબ ધીરજપૂર્વક કામકાજ કરવા.

ક્રુડ: હાલ માં જે USDINR માં તોફાન ચાલી રહ્યું છે, તેના મુળિયા છેક 2011 માં વીકલી ચાર્ટ પર જે 45 ના લેવલ પર જે ફોર્મેશન જોવાયું, ત્યાં રોપાયા હતા. ક્રુડ હાલ માં આવા જ બ્રેક આઉટ પર છે. જુલાઈ મહિના ની શરૂઆત સાથે જ ક્રુડ માં જે 96 ડોલર ઉપર ના ભાવો જોવાયા છે, તે આવું જ બ્રેક-આઉટ છે. એટલે કે ક્રુડ બે-એક વર્ષ સુધી તોફાની ચાલ માં છે. પણ અહી એ નોધવું રહ્યું કે આપણા બજાર માં રૂપિયા ના ઘસારા ને લીધે ક્રુડ માં ખુબ મોટા ઉછાળા જોવાયા હોઈ, હાલ માં ક્રુડ ઓવર-બોટ ઝોન માં છે. ગયા અઠવાડિયે 7230 બંધ રહેલ ક્રુડ વાયદા માં આ અઠવાડિયે 7000 ની નીચેનો એકાદ ઘટાડો જોવાય.

કોપર: ગયા અઠવાડિયે લંડન એક્ષ્ચેન્જ માં કોપર 7300 ડોલર થી 7100 ડોલર સુધી ઘટ્યું છે. જયારે એમસીએકસ વાયદા માં કોપર માં 476 થી 513 સુધીનો ઉછાળો અને ત્યાર પછી 466 સુધીનો ઘટાડો જોવાયા બાદ વાયદો 473.35 બંધ રહ્યો છે. આ જોતા કોપર આ અઠવાડિયે 480 ઉપર બંધ રહેવા માં અસમર્થ રહે તો 455 સુધીનો કડાકો નોધાવી શકે છે. એલએમઈ કોપર માં 6800 ડોલર મહત્વ નો ટેકો છે. જયારે એમસીએકસ ભાવો માં રૂપિયા ના ઘસારા ને લીધે મોટા ઉછાળા જોવાયા હોઈ, લંડન એક્ષ્ચેન્જ માં કોપર માં ભાવો જળવાયેલા રહેવા છતાં જો રૂપિયા માં સુધારો જોવાય તો કોપર માં ઘટાડો જોવાઈ શકે.

એલ્યુમીનીયમ, લેડ, નિકલ અને ઝીંક: તમામ ધાતુઓ માં ગયા અઠવાડિયા ની શરૂઆત ના ત્રણ દિવસો માં મોટા ઉછાળા જોવાયા. ગયા અઠવાડિયે શરૂઆત ના દિવસો માં ડોલર જ્યાં રૂપિયા સામે 68-69 ના લેવલો પર પહોચ્યો, ત્યાં આ ધાતુઓ માં કોપર ની જેમ જ નવા હાઈ બન્યા. આ દરમ્યાન લંડન મેટલ એક્ષ્ચેન્જ માં આ ધાતુઓ સુસ્ત રહી હોવા છતાં આપણા બજારો માં ખુબ તોફાની ચાલ જોવાઈ છે. માટે હવે રૂપિયા માં આવતો કોઇપણ સુધારો આ ધાતુઓ માં કડાકા બતાવે. પણ સાથે સાથે એ પણ નોધવું રહ્યું કે રૂપિયા ની તોફાની ચાલ ના લીધે હાલ માં કરન્સી ની દૈનિક રેંજ 2.5-3 ટકા જેટલી મોટી છે. માટે વેચાણ ની પોઝીશન માટે ઉછાળા ની રાહ જોવી વધુ હિતાવહ.








Saturday, 24 August 2013

કરન્સી નું તોફાન હવે છેલ્લા તબક્કા માં
વિકાસશીલ દેશો માં રૂપિયો ઘટવા માં અગ્રેસર
ગ્લોબલ માર્કેટ માં સોના માં ઉછાળો જોવાય

બે અઠવાડિયા પહેલા ના આપણાં અંક માં રૂપિયા માં કોઈક અણધાર્યો સુધાર જોવાવા ની શક્યતા જણાવી હતી. તેની સામે આ બે અઠવાડિયા દરમ્યાન રૂપિયા માં નવા તળિયા બનતા રહ્યા છે. આપણાં ફેબ્રુઆરી અને માર્ચ મહિના ના અંકો માં USDINR માં મોટા ઉછાળા જોવાવાની શક્યતાઓ લખી હતી અને ત્યાર પછી એ ઉછાળા જોવાયા પણ. પરંતુ, હાલ માં જે રીતે રૂપિયો ઘસાઈ રહ્યો છે, તે મુખ્યત્વે છેવાડા નું પેનિક છે. આવા સમયે રૂપિયો 65 થી પાછો ફરશે કે 67 થી એ તો પુરેપુરી સ્પેક્યુલેટીવ બાબત છે. ફક્ત એ નક્કી કે રૂપિયો આ સ્તરે ટકે નહી અને સુધારા જોવાય જ. એનો મતલબ એ નથી કે રૂપિયો સીધોને સટ 55 થી પણ નીચે આવે. પણ, રૂપિયો જે રીતે દર અઠવાડિયે નવા તળિયા બતાવી રહ્યો છે એ જોતા એ નક્કી છે કે કરન્સી નું આ તોફાન હવે તેના છેલ્લા તબક્કા માં છે. કોઇપણ સ્ટોક, કોમોડીટી, ઇન્ડેક્ષ કે કરન્સી નો ટ્રેન્ડ જયારે છેલ્લા તબક્કા માં હોય ત્યારે એ ખુબ વોલેટાઈલ હોય અને તે ટ્રેન્ડ ના રિવર્સલ ની કોઈ આશા દેખાતી ન હોય. હકીકત માં ટ્રેન્ડ રીવર્સ ત્યારે જ થાય.

હાલ માં કરન્સી નું તોફાન ગ્લોબલ બન્યું છે. છેલ્લા મહિના માં ઈરાન, ઈરાક જેવા અખાતી દેશો ઉપરાંત મલેશિયા, સિંગાપોર, રશિયા જેવા દેશો ની કરન્સી પણ તૂટી છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર ના હુમલા બાદ ડોલર 2008 સુધી તૂટતો રહ્યો. 2008 માં અમેરિકા માં જયારે સબ-પ્રાઈમ કટોકટી આવી અને સરકારે વિવિધ સ્ટીમ્યુલ્સ પેકેજ જાહેર કર્યા, ત્યારે ડોલર માં સુધારા ની શરૂઆત થઇ. આ સુધારો પાછો રાષ્ટ્ર-પ્રમુખ ની ચુંટણી વખતે અટવાયો. પણ, ત્યાર પછી ફરી ડોલર તોફાની થયો. હાલ માં ડોલર વિકસિત યુરોપીયન દેશો ની કરન્સી ની સામે નરમ છે, તો વિકાસશીલ દેશો સામે ખુબ તોફાની ઝડપે વધી રહ્યો છે. યુરોપીયન દેશો ની કરન્સી સામે છેલ્લા ચાર વર્ષ માં આમ તો ડોલર સુધરતો રહ્યો છે, પરંતુ છેલ્લા અઠવાડિયા માં જ્યાં ડોલર એશિયન કરન્સી સામે સુધરી રહ્યો છે, ત્યાં તે યુરો અને અન્ય યુરોપીયન કરન્સી સામે સુધારો નોધાવી નથી શકતો. જયારે સિંગાપોર અને રશિયા જેવી પ્રમાણ માં સ્થિર એશિયન કરન્સી સામે પણ ડોલર છેલ્લા બે અઠવાડિયા માં ઝડપ થી સુધરી રહ્યો છે. કદાચ અખાતી દેશો માં ઉભી થયેલ રાજકીય પરિસ્થિતિ અને તેને પગલે ક્રુડ ઓઈલ નું અર્થકારણ આ બાબતે કારણભૂત હોઈ શકે.

  

ડોલર અન્ય કરન્સી સામે
 2008
 હાલ માં 
 2008 થી અત્યાર સુધી નો ફેરફાર 
 આ મહિના માં ફેરફાર 
 ડોલર ઇન્ડેક્ષ 
 70.8
81.52 
 +15.15%
-0.15% 
 યુરો  (USDEUR)
 0.6818
0.7471 
+9.57% 
-0.74% 
 યેન  (USDJPY)
112 
99 
+11.7% 
-1.20% 
 બ્રિટીશ પાઉન્ડ (USDGBP)
0.504 
0.6418 
+27.34% 
-2.58% 
 સ્વીસ ફ્રેંક (USDCHF)
1.1328
0.9245 
-18.38% 
-0.15% 
 બ્રાઝીલ રીયલ (USDBRL)
1.7795
2.3956 
+34.62% 
+5.23% 
 રશિયન રુબલ (USDRUB)
24.50 
33.03 
+34.8% 
+0.34% 
 ઇન્ડીયન રૂપી (USDINR)
39.27 
64.05 
+63.10% 
+5.64% 
 ચાઇનીઝ યુઆન(USDCNY)
7.30 
6.12 
-16.16% 
-0.14% 
 સિંગાપોર ડોલર (USDSGD)
1.4409 
1.28 
-11.16% 
+0.79% 
 પાકિસ્તાન રૂપી (USDPKR)
61.56 
103.5 
+68.12% 
+1.28% 


હાલ ની ગ્લોબલ કરન્સી ની હાલત જોતા, સિંગાપોર ની સિદ્ધિ ઉડી ને આંખે વળગે છે. પહેલા બ્રિટીશ રાજ અને ત્યાર પછી મલેશિયા થી 1963 માં અલગ થયેલ સિંગાપોર વિશ્વ માં ત્રીજી સહુ થી ઉંચી વાર્ષિક માથાદીઠ આવક ધરાવે છે. ભારતીય (ખાસ કરીને તામીલીયન), ચીની અને અન્ય એશીયાઇ દેશો માંથી મજુરી અર્થે આવેલ હિજરતીઓથી બનેલ આ દેશ પોતાની મજબુત ઉત્પાદન ક્ષમતા અને નિકાસ જોરે ચીન, ભારત અને રશિયા પછી ની મોટી એશીયાઇ તાકાત બની ચુક્યું છે. જયારે દુનિયા નું દસમું સહુ થી મોટું અર્થતંત્ર, બીજી સહુથી મોટી આબાદી, દુનિયા ની સહુ થી વધુ અંગ્રેજી જાણનાર વર્કફોર્સ, બીજું સહુથી મોટું યુવાધન ધરાવનાર ભારતનું અર્થતંત્ર હાલ માં કફોડી સ્થિતિ માં છે. સિંગાપોર માં કહેવાય છે કે કાયદાકીય કામકાજો ખુબ ઓછા છે અને કોર્ટ માં બે-ત્રણ મહીને એકાદ કેસ માંડ નોધાય છે. 2008 પછી સાત વર્ષ સુધી ઘટેલ ડોલરે જયારે યુ-ટર્ન માર્યો અને એશીયાઇ દેશો માંથી અમેરિકા ના રોકાણો પાછા ખેચાયાં, ત્યારે આ દેશ પોતાની ઉત્પાદન ક્ષમતા ના જોરે વૈશ્વિક મંદી ની સામે અડીખમ ટકી રહ્યો છે. એમ તો જો કે ચીન ની કરન્સી સિંગાપોર કરતા વધારે સુધરી છે, પરંતુ અહી એ નોધવું રહ્યું કે ચીન પોતાની કરન્સી ને ખુબ કન્ટ્રોલ કરી રહ્યું છે. જયારે ગ્લોબલ માર્કેટ માં ચીન પોતાની કરન્સી ને ભારતીય કે જાપાની કરન્સી ની જેમ પ્રવાહિત કરશે ત્યારે આ પરપોટો એકજ સપાટે ફૂટી જશે. હકીકત માં તો ચીન માં જે કોઈપણ વિકાસ ની વાતો સાંભળવા મળે છે તે કાઈ દોઢસો કરોડ ચીનાઓ નો વિકાસ નથી, પરંતુ આઠ કરોડ ચીનાઓ કે જે સામ્યવાદી પક્ષ સાથે જોડાયેલા છે એમનો વિકાસ છે. ઈતિહાસ સાક્ષી છે કે દુનિયા ની કોઇપણ પ્રજા એ આવી વ્યવસ્થા લાંબો સમય ચલાવી નથી. જયારે સિંગાપોરે મુક્ત અર્થતંત્ર સાથે જે સિદ્ધિ હાસલ કરી છે એમાં થી દુનિયા ના ઘણા દેશો પ્રેરણા લઇ શકે.

કરન્સી એક એવું દર્પણ છે કે જે વાસ્તવિક ચિત્ર તરતજ રજુ કરી દે છે. 2008 પછી ના ગાળા માં નોધવા જેવી બાબત એ રહી કે વિકાસશીલ દેશો (ખાસ કરીને બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા, ચાઈના અને સિંગાપોર - BRICS) ની કરન્સી માં વધુ ઘટાડા નોધાયા. આ ઘસારા માં જે દેશો માં જે પ્રમાણે નો ભ્રષ્ટાચાર હતો, એ પ્રમાણે એમની કરન્સી ઘસાઈ. એમાં ભારત ની સરખામણી તો આ કોઇપણ વિકાસશીલ દેશ સાથે થાય એમ નથી. અમેરિકા, બ્રિટન, જાપાન જેવા વિકસિત દેશ તો ભૂલી જાઓ, વિકાસશીલ દેશો જેવા કે રશિયા, સિંગાપોર, સાઉથ આફ્રિકા અરે મેક્ષિકો જેવા દેશો પણ પોતાના અર્થતંત્રો ને ટકાવવા માં સફળ રહ્યા, જયારે ભારત આ બધા ની પાછળ રહી ગયું. અસ્થિર રાજકીય પરિસ્થિતિ, ધર્મ ને નામે સત્તા ની સાઠમારી અને વિદેશી સહાય ના પીઠબળે ચાલતા પાકિસ્તાન નું અર્થતંત્ર હાલ માં દુનિયા ના દસમાં અર્થતંત્ર ભારત ની સરખામણી કરવા માં બંધ બેસે છે, એનાથી વધારે દયનીય સ્થિતિ તો આપણી શી હોઈ શકે?

ગ્લોબલ માર્કેટ ની વાત કરીએ તો યુએસ ડોલર ઇન્ડેક્ષ હજી પણ 80 ના સ્તર ની ઉપર ટકેલો છે. ગયા અઠવાડિયે ડોલર ઇન્ડેક્ષ 81.36 બંધ રહ્યો છે. એ જોતા ડોલર ઇન્ડેક્ષ ને ઘટવા માં બીજા ચારેક અઠવાડિયા જેટલો સમય લાગી શકે. બીજીબાજુ અખાતી દેશો માં ફરી શરુ થયેલ રાજકીય અસમંજસ ના પગલે ક્રુડ વધારે વોલેટાઈલ રહે અને સોનું પણ ગ્લોબલ માર્કેટ માં તોફાની ચાલ જાળવી રાખે. ગ્લોબલ માર્કેટ માં 1397 ડોલર પાસે બંધ રહેલ સોના માં આ અઠવાડિયે 1410-1435 ડોલર સુધીના ઉછાળા જોવાઈ શકે છે. 31900 પર બંધ રહેલ એમસીએકસ વાયદા માં છેલ્લા બે અઠવાડિયા માં જ તેર ટકા નો ઉછાળો નોધાઇ ચુક્યો છે. એ જોતા આ અઠવાડિયે ગ્લોબલ માર્કેટ ની સરખામણીએ ભારતીય બજાર માં સોના માં ઉછાળો ધીમો રહે. એમસીએકસ વાયદા માં 32450 આસપાસ એક અવરોધ છે અને આ અવરોધ થી સોના માં એકાદ ઘટાડો નોધાઇ શકે. જયારે એમસીએકસ વાયદા માં 53470 આસપાસ બંધ રહેલ ચાંદી ના વાયદા માં હવે સીધો 55000 નો અવરોધ છે. ગ્લોબલ માર્કેટ માં 24 ડોલર ની ઉપર બંધ રહેલ ચાંદી માં આ અઠવાડિયે 25.50 - 25.90 ડોલર સુધીનો ઉછાળો જોવાઈ શકે છે. આશરે અગિયાર મહિના ની મંદી બાદ ચાંદી ફરી તોફાની થઇ છે. ભારતીય બજાર માં રૂપિયા ના ઘસારા ને પગલે સોના માં જે ઉછાળા નોધાયા તેની સરખામણીએ ચાંદી સુધરવા માં ધીમી રહી છે. પણ, ગ્લોબલ માર્કેટ માં ચાંદી ના ઉછાળા જોતા હાલ માં ચાંદી માં ટ્રેડીંગ માટે સારો સમય છે. પરંતુ, ચાંદી માં ટ્રેડીંગ માટે એ અવશ્ય કહીશ કે વેચાણ હંમેશા અવરોધ પાસે નાના સ્ટોપલોસ થી કરવું અને લેણ પણ એજ રીતે સપોર્ટ ની પાસે નાના સ્ટોપલોસ થી કરવું.

ક્રુડ ની સ્થિતિ ઘણી વિચિત્ર છે. યુએસ ક્રુડ છેલ્લા સાત અઠવાડિયા થી ઉછાળે 108 ડોલર આસપાસ અવરોધાતું રહ્યું છે. બીજું કે યુએસ ક્રુડ માં વીકલી ચાર્ટ પર બે-એક વર્ષ ની તોફાની ચાલ નું બ્રેક-આઉટ જોવાયું છે. આ બ્રેક-આઉટ વિષે અગાઉ આપણે બે વખત ચર્ચા કરી છે. હાલ માં ક્રુડ સાત અઠવાડિયા ના આ અવરોધ ને સપાટાબંધ વટાવે એવા સંજોગો બની રહ્યા છે. પણ સામે એમસીએકસ વાયદા માં છેલ્લા ચાર અઠવાડિયા થી રૂપિયા ના ઘસારા ને પગલે યુએસ ક્રુડ સ્થિર રહેવા છતાં નવા -નવા મથાળા જોવાતા રહ્યા અને ગયા અઠવાડિયે ક્રુડ 6881 ના સહુ થી ઊંચા સ્તરે બંધ રહ્યું છે. આ જોતા આ અઠવાડિયે યુએસ ક્રુડ માં 109 ડોલર સુધીના ઉછાળે એમસીએકસ વાયદા માં જે નવા મથાળા બને, ત્યાંથી સો-દોઢસો રૂપિયા ના સ્ટોપલોસ થી એકાદ નાની વેચાણ ની પોઝીશન બનાવી શકાય. અહી એ ખાસ નોધવું રહ્યું કે ક્રુડ કોઈ મોટી મંદી ના ટ્રેન્ડ માં નથી. હકીકત માં તો યુએસ ક્રુડ માં જે બ્રેક-આઉટ જોવાયું છે, તે એકાદ વર્ષ માટે મોટી તોફાની ચાલ નો સંકેત આપે છે. હાલ માં ડોલર નું તોફાન આપણાં બજાર ને ધમરોળી રહ્યું છે તો એકાદ વર્ષ પછી યુએસ ક્રુડ નું તોફાન આપણાં બજાર ને ધમરોળશે એ નક્કી. પરંતુ, રૂપિયા ના ઘસારા ને પગલે જે ભાવો માં મોટા ઉછાળા જોવાયા છે, તેમાં એકાદ ટ્રેડીંગ ના અવસર ને એનકેશ કરવા પુરતી જ વેચાણ ની પોઝીશન બનાવવી.

અન્ય ધાતુઓ ની વાત કરીએ તો લંડન એક્ષ્ચેન્જ માં એલ્યુમીનીયમ, લેડ અને ઝીંક ના ભાવો માં ગયા અઠવાડિયે બે થી ચાર ટકા ના ઘટાડા જોવાયા છે. તેની સામે એમસીએકસ વાયદા માં એક થી ત્રણ ટકા ના ઉછાળા જોવાયા. આમ, આંતરાષ્ટ્રીય બજારો માં આ અધાતુઓ ના ભાવો ઘટતા જોવા છતાં રૂપિયા ના ઘસારા ને પગલે આ આ ધાતુઓ માં ભારતીય બજારો માં ભાવો ઉછળતા રહ્યા છે. માટે, આ અઠવાડિયે અગર રૂપિયા માં કોઈ સુધારો જોવાય, તો આ ધાતુઓ માં પણ ભાવો માં નરમી જોવાય. કોપર અંતરાષ્ટ્રીય બજારો માં ગયા અઠવાડિયે સ્થિર રહ્યું છે. જયારે એમસીએકસ વાયદા માં છેલ્લા ચાર વર્ષ નો ઉંચો ભાવ જોવાયો છે. ગયા અઠવાડિયે 475 બંધ રહેલ કોપર વાયદા માં ઉછાળે 485-86 આસપાસ 491 ના સ્ટોપલોસ થી વેચાણ ની પોઝીશન બનાવી શકાય.












Friday, 16 August 2013

અગિયાર મહિના પછી 
ચાંદી ફરી તોફાની
અઠવાડિયા માં ચાંદી માં વીસ, સોના માં દસ ટકા નો ઉછાળો 
બેઝ મેટલ ની તેજી રૂપિયા ના ઘસારા ને આભારી


તા 29 જુલાઈ ના આપણા અંક માં ચાંદી માં જબ્બર છેતરામણી ચાલ હોવા વિષે લખ્યું હતું. એ સમયે બજાર માં ચાંદી માં 32000 સુધીનો કડાકો બોલાવા ની ચર્ચાએ જોર પકડ્યું હતું. સામે ચાંદી માં ચાર અઠવાડિયા દરમ્યાન 40000 ની આસપાસ તળિયા બનતા રહ્યા અને 41700 થી 42400 ની રેંજ માં હાઈ બનતા રહ્યા. એટલે જ આપણાં જુલાઈ મહિના ના છેલ્લા અંક માં 40000 આસપાસ ચાંદી માં લેણ ની પોઝીશન બનાવવાનું સૂચવ્યું હતું. અગાઉ પાંચ અઠવાડિયાથી યુએસ સ્પોટ માં 20 ડોલર ના અવરોધ ની આસપાસ અટકતી ચાંદી માં ગયા અઠવાડિયે જ 20 ડોલર ના લેવલ ની ઉપર 20.51 ડોલર નો બંધ જોવાયો હતો. ટુકમાં, ચાંદી માં તેજી ની બાજી બરાબર ગોઠવાયેલી હતી અને ત્યાં જ સરકાર ની સોના-ચાંદી માં આયાત ડ્યુટી વધારવાની જાહેરાત આવી અને સોના ના ઉછાળા ની સાથે ચાંદી માં તેજી ની સર્કીટો લાગી.


ચાંદી વાયદા બજાર માં જ્યાં 42700 ની ઉપર ના બંધ માંડ માંડ બતાવતી હતી તે ગયા અઠવાડિયે 50800 પર બંધ રહી છે.  બે અઠવાડિયા પહેલા જ્યાં ચાંદી માં 41500-800 આસપાસ લેણ કર્યું હોય તો પણ ગભરામણ છૂટી જતી હતી, આસપાસ ના ચાર લોકો 32000 ના ટાર્ગેટ કહી પોઝીશન માંથી છૂટી જવા ની સલાહ આપવા માંડે, ત્યાં આજે ઘાટ એવો છે કે 45500-700 ની આસપાસ વેચાણ માં ફસાયેલાને હવે લોકો 62000-65000 ના ટાર્ગેટ બતાવવા માંડ્યા છે. જુલાઈ મહિના ના છેલ્લા અંક માં આપણે લખ્યું હતું કે ચાંદી માં જે મંદી ના રુખ વાળી વાતો બજાર માં સાંભળવા મળે છે, તે 38500 ની નીચેના ભાવો જોવાય તો જ ધ્યાન માં લેવી. યુએસ સ્પોટ માં ગયા અઠવાડિયે 23.25 ડોલર બંધ રહેલ ચાંદી હજી આ અઠવાડિયે પણ તેજી ની ચાલ યથાવત રાખે. આ અઠવાડિયે યુએસ સ્પોટ માં ચાંદી માં 25 ડોલર સુધી ના ભાવો જોવાઈ શકે છે. એમસીએક્સ વાયદા માં 53250 સુધીના ઉછાળા ની શક્યતા છે. જયારે અણધાર્યો મોટો ઉછાળો જોવાય તો મોટેભાગે ટ્રેડર ઓવર-બોટ ઝોન માં વેચાણ ની પોઝીશન બનાવવા નું વધુ મુનાસીબ ગણતા હોય છે. ચાંદી 51350 થી 52000 ની વચ્ચે આ ઓવર-બોટ ઝોન માં આવે. ગયા અઠવાડિયે સોના માં દસ ટકા ની સરખામણીએ ચાંદી માં વીસ ટકા નો ઉછાળો જોવાયો છે. પરંતુ, અહી એ નોધવું રહ્યું કે જયારે સોના માં 25500 થી 28500 નો ત્રણ હજાર રૂપિયા નો ઉછાળો નોધાયો, તે ચાર અઠવાડિયા દરમ્યાન ચાંદી 41700 આસપાસ સુસ્ત રહી. સોના ના આ દસ ટકા ના ઉછાળા દરમ્યાન ચાંદી માં ઉછાળા નોધાયા નહોતા. ગયા અઠવાડિયા ના વીસ ટકા ના ઉછાળા સાથે ચાંદી હવે ફરી સોના સાથે હરીફાઈ માં આવી ગઈ છે.

ગ્લોબલ માર્કેટ માં સોના વિષે પાંચેક અઠવાડિયા પહેલા આપણી કોલમ માં જણાવ્યું હતું કે સોનું મથાળે થી છત્રીસ ટકા ઘટ્યું હોઈ, પુલ-બેક ની શક્યતાઓ વધારે છે. ગતાંક માં પણ ગ્લોબલ માર્કેટ માં સોના માં કોઈ તોફાની ચાલ નો નિર્દેશ કર્યો હતો. સાત મહિના માં 1750 ડોલર થી 1180 ડોલર ના કડાકા બાદ સોના માં છેલ્લા છ અઠવાડિયા થી સુધારો નોધતો રહ્યો છે. ગયા અઠવાડિયે 1376 ડોલર બંધ રહેલ સોના માં આ અઠવાડિયે 1424 ડોલર સુધીના ઉછાળા ની શક્યતાઓ છે. આવા કોઈ ઉછાળા ગ્લોબલ માર્કેટ માં જોવાય તો એમસીએકસ વાયદા માં 31500 સુધીનો ઉછાળો જોવાઈ શકે છે.

ગતાંક માં રૂપિયા માં કોઈ અણધાર્યો સુધારો જોવાઈ શકવાની શક્યતાઓ જણાવી હતી. તેની સામે ગયા અઠવાડિયે રૂપિયો વધારે ઘટ્યો અને છેલ્લા વીસ વર્ષ નું નવું તળિયું જોવાયું. પરંતુ, ગતાંક માં આપણે સ્પષ્ટ જણાવ્યું હતું કે રૂપિયા ની તોફાની ચાલ જોતા વાયદા કરતા ઓપ્શન માં પોઝીશન બનાવવી હિતાવહ રહે. બીજી સહુ થી મહત્વ ની વાત કે ગતાંક માં જે રૂપિયા ના સુધારા ની શક્યતા જણાવી હતી, તે પખવાડિયા દરમ્યાન ની ચાલ ની હતી અને નહી કે વીકલી. ગ્લોબલ માર્કેટ માં ડોલર ઇન્ડેક્ષ માં નવ અઠવાડિયા ની 80 થી 84 ની વચ્ચે ની ત્રણ વખત ની ચઢાવ-ઉતાર ની ચાલ બાદ ડોલર ઇન્ડેક્ષ ગયા અઠવાડિયે 80 ના લેવલ ની ઉપર ટકવા માં તો સફળ રહ્યો છે, પરંતુ, આ લેવલ તૂટતા ગ્લોબલ માર્કેટ માં ડોલર બધી જ કરન્સી સામે ઘટાડા બતાવી શકે છે. ગયા અઠવાડિયે આંતરાષ્ટ્રીય બજાર માં રૂપિયો ડોલર સામે 61.70 ના સ્તરે બંધ રહ્યો છે. વીતેલા અઠવાડિયા ની આ તોફાની ચાલ જોતા આ અઠવાડિયા ની શરૂઆત માં 62.15-62.35 સુધી ના ઉછાળા જોવાઈ શકે છે. પરંતુ, જયારે 60.75 ડોલર તૂટે પછી ઘટાડો ઝડપી રહે. જુન મહિના બાદ રૂપિયા માં જે કોઈ ઘસારા જોવાયા છે, તે મહદઅંશે પેનિક જેવા વધારે છે. USDINR માં ભલે ઉછાળા નોધાતા હોય, પરંતુ, ડેઈલી અને વીકલી ચાર્ટ પર ડાયવર્જેન્સ નેગેટીવ છે. સામે ડોલર ઇન્ડેક્ષ પણ 80 ના સ્તર ની નીચે વધારે નરમ બનતો હોઈ, USDINR માં 60.75 તૂટતા રૂપિયા માં કોઈ અંધાર્યા સુધારા ની શક્યતા યથાવત છે.

ક્રુડ માટે ગતાંક માં જણાવ્યું હતું કે 6600 ની ઉપર ના ભાવોએ જ વેચાણ ની પોઝીશન બનાવવી હિતાવહ રહે. અઠવાડિયા ની શરૂઆત માં સુસ્ત રહેલ ક્રુડ શુક્રવાર ના રોજ 6726 સુધી ઉછળ્યું. ગયા અઠવાડિયે 107.29 ડોલર બંધ રહેલ યુએસ ક્રુડ માં આ અઠવાડિયે 113.70 ડોલર સુધી ના મોટા ઉછાળા ની શક્યતા છે. આ જોતા આ અઠવાડિયે ક્રુડ માં 6824-6834 સુધીના ભાવો જોવાઈ શકે છે. ત્રણ મહિના માં એમસીએકસ વાયદા માં ક્રુડ માં 4800 થી 6700 સુધી ની મોટી તેજી જોવાઈ હોઈ, હાલ ના લેવલ પર ક્રુડ માં તેજી ની પોઝીશન બનાવવા હિતાવહ નથી. પરંતુ, વેચાણ ની પોઝીશન માટે ઉછાળા ની રાહ જોવી.

આમ તો જોકે લંડન મેટલ એક્ષ્ચેન્જ માં કોપર ઓગસ્ટ મહિના ની શરૂઆત થી જ 7000 ડોલર પર ટન ના ભાવ થી 7300 ડોલર સુધી ઉછળ્યું છે. પરંતુ, આપણા બજાર માં રૂપિયા ના ઘસારા ને પગલે આંતરાષ્ટ્રીય બજાર ની તેજી વધુ વેગવંતી બની છે. ગયા અઠવાડિયે કોપર 464.55 ના બંધ સાથે છેલ્લા ત્રણ વર્ષ ના સર્વોચ્ચ શિખરે બંધ રહ્યું. જુલાઈ મહિના માં લંડન એક્ષ્ચેન્જ માં કોપર 6600 ના છેલ્લા બે વર્ષ ના સહુ થી નીચા લેવલ થી સુધારા તરફી હોઈ, ગ્લોબલ માર્કેટ માં કોપર માં સુધારા તરફી ચાલ છે. પણ, એમસીએકસ વાયદા માં ઓગસ્ટ ની શરૂઆત થી જ કોપર માં જે ભડકો જોવાયો છે, તે હવે ઓવર-બોટ ઝોન માં પહોચી ગયો હોઈ, આ અઠવાડિયા ની શરૂઆત થી જ કોપર માં ઘટાડા જોવાવા ની શક્યતા છે. પરંતુ, વેચાણ ની પોઝીશન માં પોતાની મર્યાદા પ્રમાણે નો સ્ટોપલોસ અવશ્ય રાખવો કેમકે ગ્લોબલ માર્કેટ માં કોપર માં હજુ પણ તોફાની ચાલ જળવાયેલી રહે.

એલ્યુમીનીયમ માં પણ કોપર ની જેમ જ કાતિલ ઉછાળા જોવાયા છે. એલ્યુમીનીયમ પણ લંડન એક્ષ્ચેન્જ માં 2600 ડોલર થી 1800 ડોલર ની બે વર્ષ ની મંદી બાદ તેજી તરફી છે. પણ, એમસીએકસ ભાવો માં જે ઉછાળા જોવાયા તે રૂપિયા ના ઘસારા ને પગલે રહ્યા. હાલ માં એલ્યુમીનીયમ માં પણ કોપર ની જેમ ઘટાડા જોવાવા ની શક્યતા વધારે છે. ઝીંક, લેડ અને નિકલ માં પણ આંતરાષ્ટ્રીય બજારો ની તેજી ની સરખામણીએ મોટા ઉછાળા નોધાયા છે. લેડ ખાસ કરીને બેઝ બેટલ ની બે વર્ષ ની ગ્લોબલ મંદી દરમ્યાન પણ ટકેલું રહ્યું. લંડન એક્ષ્ચેન્જ માં લેડ માં એક વર્ષ અગાઉ જે 1700 ડોલર ની આસપાસ ના ભાવો જોવાયા હતા, ત્યાં થી છેલ્લા એક વર્ષ માં લેડ સુધરતું રહી હાલ માં 2200 ડોલર ના સ્તરે છે. પણ, આ અઠવાડિયે એમસીએકસ ભાવો માં લેડ પણ ઓવર-બોટ ઝોન માં આવતું હોઈ, આ અઠવાડિયે લેડ માં 141 ના ભાવો થી ચાલ નરમી તરફ રહે.

આંતરાષ્ટ્રીય બજાર માં ક્રુડ બે વર્ષ ના કોન્સોલીડેસન બાદ હમણાં સુધારા તરફી થઇ રહ્યું છે. કોપર, એલ્યુમીનીયમ, લેડ વિગેરે ધાતુઓ બે વર્ષ ના ઘટાડા બાદ વિદેશી બજારો માં સુધારા તરફી થઇ રહ્યા છે. પણ, આપણા બજાર માં ક્રુડ ઉપરાંત બેઝ મેટલ માં રૂપિયા ના ઘસારા ને ભાવો સ્થિર અથવા તો સુધરતા રહ્યા છે.  મોટેભાગે કરન્સી ના રમખાણ માં ગ્લોબલ માર્કેટ ની સરખામણીએ આપણા બજારો માં ભાવો માં અફરાતફરી વધારે રહી છે.