હવે, યુએસ ની તેજી નો છેલ્લો તબક્કો
ચાંદી, રૂપિયા માં ઉછાળા ની શક્યતા
ગયું આખું અઠવાડિયું કોઇપણ મોટી વધઘટ વિના પસાર થયું. રૂપિયો ડોલર સામે ૬૨ થી ૬૧.૯૨ પહોચ્યો. શેરબજાર ૬૨૬૭ થી ૬૩૧૩ રહ્યું. સોનું ૨૮૬૩૦ થી ૨૮૫૬૦ રહ્યું, ચાંદી પણ ૫૦૦ પોઈન્ટ ની રેંજ માં રહી. હા, ક્રુડ માં સળવળાટ જરૂર રહ્યો. નાતાલ ની રજાઓ માં જે વૈશ્વિક બજારો નો ઘાટ હોય છે બધું એમ જ રહ્યું. જો કે અઠવાડિયું પૂરું થતા માં એક મોટી નવીનતા જરૂર બની છે. શુક્રવારે સાંજે યુરો ડોલર સામે ૧.૩૮ ના તેના મુખ્ય અવરોધ ને વટાવવા માં સફળ રહ્યો છે. હા, એ સાચું કે આ અવરોધ ની ઉપર યુરો બંધ રહી શક્યો નથી. વાચકમિત્રો ને પ્રશ્ન જરૂર થશે કે યુરો ડોલર સામે વધ્યો એમાં નવાઈ શું થઇ? મિત્રો, ડોલર ઇન્ડેક્સ માં આશરે ઓગણચાલીસ ટકા જેટલું વેટેજ એકલા યુરો નું છે. યુરો વધે એટલે સ્વાભાવિક રીતે જ ડોલર ઇન્ડેક્સ માં નરમી રહે. બીઝનેસ ગાર્ડિયન ના વાચકો એ સારી પેઠે સમઝે કે જયારે જયારે યુએસ ડોલર ઇન્ડેક્સ માં નરમી ની શરૂઆત થાય છે, ત્યારે ત્યારે વૈશ્વિક રોકાણકારો ના રોકાણો યુએસ થી અન્ય વિકાસશીલ દેશો તરફ વળે છે. આપણી અગાઉ ની કોલમો માં આ વિષે વારંવાર લખાઈ ચુક્યું છે. બીજી તરફ યુએસ ના શેર બજાર માં તેજી ચરમસીમાએ છે. માર્ચ ૨૦૦૯ થી યુએસ માર્કેટ માં એકધારી તેજી જળવાયેલી છે. જુઓ ને માર્ચ ૨૦૦૯ થી અત્યાર સુધી ડાઉ જોન્સ ઇન્ડ ૩૦ માંડ પંદર મહિના દરમ્યાન ઘટાડા તરફી રહ્યો. બાકી ના ૪૧ મહિનાઓ તેજી તરફી રહ્યો. આપણા બજાર માં આ જ ગાળા માં કદાચ છવીસ મહિના નરમી ના રહ્યા છે. હમણાં- હમણાં યુએસ માર્કેટ ની આ તેજી ખુબ તોફાની બની છે અને યુએસ નું માર્કેટ ઓલ-ટાઈમ હાઈ પર ચાલી રહ્યું છે. યુએસ ની પાછળ-પાછળ જર્મની, સ્પેન, યુકે, ઓસ્ટ્રેલીયા બધા જ બજારો માં તેજી નો પવન ફુકાઇ રહ્યો છે. યુએસ માર્કેટ ની તેજી ની વાત કરીએ તો હાલ માં એવું ઘણી વખત જોવા મળે છે કે ડાઉ જોન્સ ઇન્ડ ૩૦ માં માંડ એક કે બે શેરો દિવસ દરમ્યાન ઘટાડા તરફી રહે. બાકી બધા જ શેરો માં લેવાલી હોય. પાંચ વર્ષ થી અમેરિકા ના બજાર માં એકધારી તેજી છે, પણ શું આ તેજી વિષે આપણે ક્યારેય સમાચાર પત્રો માં (આપણી આ કોલમ ને બાકાત રાખો) વાચ્યું? ગયા ઓગસ્ટ – સપ્ટેમ્બર માસ માં જયારે કરન્સી નું વાવાઝોડું પુરા સપાટાભેર ફુકાઇ રહ્યું હતું, ત્યારે આપણી કોલમ માં તેજી ના છેલ્લા તબક્કા વિષે વારંવાર લખ્યું હતું કે “કોઇપણ સ્ટોક, ઇન્ડેક્સ, કરન્સી કે કોમોડીટી નો કોઈ એક ટ્રેન્ડ જયારે સમાચાર પત્રો ની હેડ-લાઈન બને, જયારે એ ટ્રેન્ડ નક્કર હોવાનો પુરેપુરો અભિપ્રાય હોય, તો માની લેજો કે એ ટ્રેન્ડ નો તે છેલ્લો તબક્કો છે.” યુએસ સ્ટોક માર્કેટ નો આ તબક્કો હવે શરુ થઇ ચુક્યો છે. શુકવારે ડોલર ઇન્ડેક્સ નો ઘટાડો અને યુએસ સ્ટોક માર્કેટ નો પુરબહાર સાપ્તાહિક ઉછાળો જોતા આ વણલખ્યો માસ-સાયકોલોજી નો સિદ્ધાંત અહી બરોબર ફીટ બેસે છે. અર્થાત, આવનાર બે-ત્રણ મહિના દરમ્યાન યુએસ માર્કેટ માં તેજી નો પવન ઝોર પકડે અને “અમેરિકા નું બજાર વૈશ્વિક બજારો ની સરખામણીએ સલામત” હોવાનો નિષ્ણાતો નો અભિપ્રાય નક્કર બને, એવા સંજોગો નું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ એ સમયગાળો હશે કે જયારે નેસ્ડેક ના મુખ્ય શેરો માં રોકાણ કરી ક્યા ભારતીય રોકાણકારે અઢળક નફો રળ્યો અને એ કેવા કુશળ રોકાણકાર છે, એવા લેખો છપાવા માંડે, અમુક ફંડ મેનેજરો યુએસ માર્કેટ ને લગતા ફંડ શરુ કરે કે પછી સ્ટીમ્યુલસ પેકેજ ની ગેરહાજરી માં પણ યુએસ નું અર્થતંત્ર કેટલું સક્ષમ છે એની ગાથાઓ ગવાવા માંડે – આવું બધું જ જોવા મળી શકે. જો કે અહી એક સારું પાસું એ છે કે યુએસ ના બજાર ની આ તેજી ના પડછાયા માં ભારત ના બજાર માં પણ મોટી તોફાની તેજી જોવાઈ શકે છે. યુએસ ના બજાર માં તેજી હોવાની સાથે સાથે હવે ડોલર ઇન્ડેક્સ કે બીજા શબ્દો માં કહો તો ડોલર નરમ પડી રહ્યો છે. રૂપિયો કે જે કેલેન્ડર વર્ષ ૨૦૧૩ માં ખુબ પછડાટ સહન કર્યા પછી સુધારા માટે સજ્જ છે, શેરબજાર ઓલ-ટાઈમ હાઈ પાસે વારંવાર અટવાઈ રહ્યું છે અને જે રીતે ભારતીય રોકાણકારો બજાર થી દુર થઇ ગયા છે, તે જોતા યુએસ ના બજાર ની આ છેલ્લા તબક્કા ની તેજી ની પાછળ આપણા બજાર માં પણ અણધાર્યા અને આકસ્મિત ઉછાળા જોવાઈ શકે. આવા તબક્કા ને ચોક્કસ સમયે પારખવો મુશ્કેલ હોય છે. મતલબ કે કોઈ છાતી ઠોકી ને એવું નથી કહી શકવાનું કે આવતા સોમવાર થી કે એના પછીના સોમવાર થી આવો ઉછાળો જોવાય. પરંતુ, એ નક્કી કે યુએસ માર્કેટ ના પડછાયા માં આપણું બજાર તોફાની ચાલ બતાવે ખરું. બીસનેસ ગાર્ડિયન ના વાચકમિત્રો ને દિવાળી સમયે ઓઈલ અને ગેસ ક્ષેત્ર ના શેરો માં રોકાણ કરવા સૂચવ્યું હતું. જે મિત્રો એ આ ક્ષેત્ર ના મુખ્ય શેરો માં રોકાણ કર્યું છે, એમને એટલું જ સૂચન છે કે “ધીરજ રાખો, વળતર સારું મળશે.”
કરન્સી ના ટ્રેન્ડ પર નજર કરીએ તો યુએસ ડોલર ઇન્ડેક્સ ૮૦.૮૦ ના તેના નજીકના અવરોધ ની નીચે જળવાયેલો છે. હાલ માં તો ડોલર ઇન્ડેક્સ તેના આ અવરોધ ને પાર કરવા માં સફળ ન રહે ત્યાં સુધી ડોલર ના કોઈ મોટા ઉછાળા ની ચિંતા નથી. આંતરાષ્ટ્રીય ક્રોસ રેટ ૬૧.૯૨ બંધ રહેલ USDINR માં હવે ૬૧.૪૫ તૂટતા ૬૦ સુધી ની શક્યતા પ્રબળ બની છે. યુરો અન્ય કરન્સીઓ સામે જળવાયેલો છે અને ડોલર સામે તો સુધારા તરફી પણ છે, એ જોતા EURinr માં ૮૬.૧૦ ની ઉપર ની ચાલ જોખમી રહે. હાલ માં તો EURINR માં પણ ૮૬.૯૫ નો મોટો અવરોધ છે. યેન સામે રૂપિયો સતત સાત અઠવાડિયા થી સુધારા તરફી છે અને હજી પણ આ સુધારો જળવાયેલો રહે.
કીમતી ધાતુઓ ના ટ્રેન્ડ ની વાત કરીએ તો આંતરાષ્ટ્રીય બજાર માં સોનું જ્યાં સુધી સાપ્તાહિક ધોરણે ૧૨૫૦ ડોલર ની ઉપર બંધ રહેવા માં સફળ ના રહે ત્યાં સુધી સોનું જોખમી જ છે. ચાંદી માં અઠવાડિયા ની શરૂઆત માં જ તેજી જોવાય અને ૨૦.૪૭ ડોલર કે કદાચ ૨૦.૭૭ ડોલર સુધીના પણ ભાવો જોવાઈ શકે. એમસીએકસ વાયદા ની વાત કરીએ તો ચાંદી ૪૬૫૦૦ થી ૪૬૯૦૦ ની રેંજ ને અઠવાડિયા ની શરૂઆત માં સ્પર્શી શકે.
ગતાંક માં યુએસ ક્રુડ માં ૧૦૧.૪૦ સુધીનો ઉછાળો જોવાવાની શક્યતા વિષે જણાવ્યું હતું. પરંતુ, સાથે-સાથે એમ પણ લખ્યું હતું કે ક્રુડ નો આ ઉછાળો છેતરામણો રહે. શુક્રવાર ના રોજ યુએસ ક્રુડ ૧૦૦.૭૬ ડોલર ને જ સ્પર્શી શક્યું છે. જે રીતે આખા અઠવાડિયા દરમ્યાન ધીમી ગતી નું કોન્સોલીડેસન રહ્યું, એ જોતા હવે ક્રુડ ઓઈલ માં ૧૦૧.૫૦ ડોલર નું સ્તર પાર થતા ફરી પાછી તોફાની ચાલ જોવાય. અઠવાડિયા ની શરૂઆત માં જ ક્રુડ માં ૧૦૧.૧૫ ડોલર સુધીનો ઉછાળો નોધાઇ શકે છે. એમસીએકસ વાયદા ને જ્યાં સુધી લાગે વળગે છે, ત્યાં સુધી ક્રુડ માં હવે ૬૧૨૨ ના સ્ટોપલોસે તેજી નો વેપાર કરી શકાય. જયારે નેચરલ ગેસ માટે આપણી કોલમ માં ૨૭૫-૮૦ ની રેંજ માં ટોપ-આઉટ થવાની શક્યતા જણાવી હતી. જો કે નેચરલ ગેસ માં હવે મંદી ના વેપાર માં ૨૯૦ નો સ્ટોપલોસ અવશ્ય જાળવવો.
એરંડા માટે આપણી કોલમ માં ત્રણેક અઠવાડિયા અગાઉ લખ્યું હતું કે “જુના ખેલંદાઓ ફરી સક્રિય થયા છે અને ફક્ત ૫૦૦૦ નો ભાવ બતાવવા માટે જ આ સટ્ટો ખેલાઈ રહ્યો છે.” એરંડા માં ૫૦૦૦ ના ભાવ થી જે વેચવાલી શરુ થઇ છે, તે હવે વેચાણ ની સર્કિટો બતાવી રહી છે. કોમોડીટી બજાર માં જાણે કે નિયમનકારી કોઈ સંસ્થા જ નથી. ક્યારેક ગુવાર તો ક્યારેક એરંડો, વર્ષ માં એકાદ આવું કારસ્તાન થતું જ રહે છે અને સટોડિયા આબાદ છટકી જાય છે. હાલ માં તો એરંડા ના વેપાર થી દુર જ રહેવું સલામત છે.
અન્ય ધાતુઓ માટે છેલ્લા ત્રણ અઠવાડિયા થી આપણી કોલમ માં તેજી ના ટ્રેન્ડ વિષે લખતા રહ્યા છીએ. આ વખતે બેઝ મેટલ ની આ તેજી કાઈ રૂપિયા ના ઘસારા ને આભારી નથી. પરંતુ, આંતરાષ્ટ્રીય બજારો માં આ ધાતુઓમાં હાલ માં તેજી જોવાઈ છે. લંડન મેટલ એક્ષ્ચેન્જ માં આ ધાતુઓ ના ભાવો સુધારા તરફી હોઈ, ઘર-આંગણે ભાવો તેજી તરફી રહ્યા છે. ગતાંક માં લેડ વિષે લખ્યું હતું કે લંડન મેટલ એક્ષ્ચેન્જ માં ૨૨૦૦ ડોલર ના ભાવે થી લેડ માં એકાદ પ્રત્યાઘાતી ઉછાળો જોવાઈ શકે, પરંતુ ૨૨૦૦ ડોલર ની ઉપર બંધ રહ્યા બાદ લેડ માં તોફાની ચાલ જોવાય. ગયા અઠવાડિયે એલએમઈ માં લેડ ૨૨૫૦ ડોલર પર બંધ રહ્યું છે. આ જોતા, છેલ્લા ત્રણ અઠવાડિયા થી ચાલતી લેડ ની તેજી આ અઠવાડિયે પણ ઉછાળા બતાવી શકે. નિકલ માં ૮૯૫ નો ભાવ હવે અવરોધ છે અને જ્યાં સુધી આ સ્તર અકબંધ રહે નિકલ માં નરમી જળવાય.


























