સોનું-ચાંદી હજી પણ જોખમી
ક્રુડ માં ઉછાળો છેતરામણો સાબિત થાય
સુધરતા ડોલર સામે ટકી શકે છે રૂપિયો!
છેલ્લા છ અંકો થી આપણે સતત સોના-ચાંદી જોખમી તબક્કા માં હોવાનું લખતા રહ્યા છીએ. હમણાં ના આ ઘટાડા બાદ હવે ઘણા બધા નિષ્ણાતો નો મત છે કે સોના માં હવે ભાવો સુધારા તરફી રહે. જયારે સોના માં ભાવો સુધારા તરફી રહેવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરે છે, ત્યારે એમનો સહુ થી મોટો તર્ક છે કે આંતરાષ્ટ્રીય બજાર માં છેલ્લા દોઢ વર્ષ થી સોનું સતત ઘટાડા તરફી રહ્યું છે અને ૧૯૦૦ ડોલર થી હાલ ના ૧૨૦૦ એટલે કે મથાળે થી આશરે ત્રીસ ટકા જેટલો ભાવ ઘટાડો જોવાઈ ચુક્યો છે. ત્રીસ ટકા ના આ ઘટાડા ને જોતા હવે સોના માં રોકાણ સલામત હોવાનો અભિપ્રાય નિષ્ણાતો આપી રહ્યા છે.
| યુએસ સ્પોટ સોનું | એમસીએક્સ સોનું | USDINR | |
| સપ્ટેમ્બર ૨૦૧૧ | ૧૯૦૦ ડોલર | ૨૮૦૦૦ રૂપિયા | ૪૯ |
| હાલ માં | ૧૨૦૦ ડોલર | ૨૮૫૦૦ રૂપિયા | ૬૧.૯૨ |
| ફેરફાર (ટકા માં) | -૩૬.૮૫% | +૧.૭૮% | +૨૬.૩૬% |
હવે અહી નોધવા જેવી બાબત એ છે કે જયારે યુએસ સ્પોટ માં સોનું ૧૯૦૦ ડોલર ના સ્તરે હતું ત્યારે પણ સોનું ૨૮૦૦૦ ના સ્તર ને સ્પર્શ્યું હતું અને આજે ૧૨૦૦ ડોલર ના ભાવે પણ સોનું ૨૮૦૦૦ થી ઉપર ચાલી રહ્યું છે. આંતરાષ્ટ્રીય સોના માં જયારે છત્રીસ ટકા નો કડાકો બોલ્યો, ત્યારે રૂપિયા માં છવ્વીસ ટકા નો ઘસારો નોધાયો. ઉપરાંત સોના માં આયાત-ડ્યુટી માં પાંચ ટકા નો વધારો થયો. આ જોતા હાલ માં સોનું હજી પણ પાંચ ટકા ના પ્રીમીયમ થી ચાલી રહ્યું છે. બીજી વાત, આંતરાષ્ટ્રીય બજાર માં સોના માં જયારે ઘટાડો ચાલી રહ્યો હતો, ત્યારે સાથે સાથે રૂપિયા માં પણ ઘસારો જોવાઈ રહ્યો હતો. રૂપિયા નો આ વર્ષ નો ઘટાડો ઐતિહાસિક હોઈ, હવે રૂપિયા માં સુધારા ને પણ અવકાશ છે. બીજી બાજુ હવે યુએસ ડોલર ઇન્ડેક્સ થોડે-ઘણે અંશે સુધારા તરફી હોઈ નિષ્ણાતો રૂપિયા માં ઘસારો ફરી શરુ થવાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. એમ તો ગયા અઠવાડિયે જે જે રીતે USDINR સાપ્તાહિક ધોરણે ૬૨ ની ઉપર બંધ રહ્યો હતો, ત્યારે ફરી પાછા આપણે રૂપિયા ના ૭૦ સુધીના કડાકા ની વાતો સાંભળવા માંડ્યા હતા. ટુકમાં હાલ માં જે સોના માં તેજી ની વાત આવી રહી છે, તેનો મુખ્ય આધાર રૂપિયા માં ઘસારો ફરી શરુ થવાનો અને યુએસ સ્પોટ માં સોના માં સુધારા નો એ બન્ને ટ્રેન્ડ ફરી શરુ થવાની શક્યતા પર આધારિત છે. મિત્રો અહી ફક્ત એટલું જ કહેવું છે કે આ બન્ને ટ્રેન્ડ બિલકુલ – સો-એ-સો ટકા આવનાર અઠવાડિયા માં ઉંધા પડી શકે છે. જી હા, પૂરે પુરા સો ટકા. એટલે એક બીજું અઠવાડિયું આપના આ મિત્ર ની વાત માની ને સોના માં તેજી ના વેપાર થી દુર રહેવું હિતાવહ છે. હવે, સોના માં જયારે આપણે નરમી ની વાત કરી રહ્યા હોઈએ તો સ્વાભવિક રીતે જ ચાંદી માં પણ ધીરજ રાખવી પડે.
હવે વાત ગ્લોબલ ટ્રેન્ડ ની. તો છેલ્લા પાંચ અઠવાડિયા થી આપણી કોલમ માં યુએસ ફેડ દ્વારા કોઈક સરપ્રાઈઝ જોવાવા બાબત લખી રહ્યા હતા. પરંતુ, યુએસ ફેડ માં પણ ભારત ની રીઝર્વ બેંક ની પોલીસી ની જેમ બધું જૈસે થે જ રહ્યું. ભારત હોય કે અમેરિકા કોઈને પણ જોખમ લેવું નથી. સરવાળે જયારે સબ-પ્રાઈમ જેવી સ્થિતિ ફરી ઉભી થાય અને બીજો કોઈજ રસ્તો ન રહે, ત્યારે પછી સરકારો જાગે. જો કે આ પરિસ્થિતિ નો ચિતાર શાણા આંતરાષ્ટ્રીય રોકાણકારો ને પણ આવી જ ગયો હશે અને એવું પણ બને કે હવે ના ગાળા માં અમેરિકન સંસ્થાઓ નું ભારત માં રોકાણ વધે. આવી પરિસ્થિતિ માં સુધરતા ડોલર સામે પણ રૂપિયો ટકી શકે છે. મારા મિત્ર અને ટેકનીકલ એનાલીસ્ટ અશીષકુમાર ગોપી ના મતે યુએસ ડોલર ઇન્ડેક્સ ૮૨.૪ સુધી આવી શકે તેમ છે. એમના મતે ઓક્ટોબર માસ ના છેલ્લા અઠવાડિયા માં ૭૯.૧૫ ના નીચા સ્તરે થી આવેલું ડોલર ઇન્ડેક્સ નું રિવર્સલ હાલ માં આ ૮૨ નું સ્તર બતાવી શકે. પરંતુ, જ્યાં સુધી USDINR ને લાગે-વળગે છે, આપણી કોલમ માં ગયા અઠવાડિયે પણ લખાયું હતું કે ૬૨.૪૦ સુધી ઉછળ્યા બાદ USDINR અવરોધાય. ગયા અઠવાડિયે યુએસ સ્પોટ માં ૬૨.૬૫ સુધી ઉછળ્યા બાદ સપ્તાહ ના અંત માં આ કરન્સી સ્પોટ ૬૧.૯૨ બંધ રહ્યું છે. જે સ્પષ્ટ દર્શાવી રહ્યું છે કે છેલ્લા બે દિવસો માં ડોલર ઇન્ડેક્સ સુધરવા છતાં રૂપિયો ટકી રહ્યો છે. જયારે EURINR આંતરાષ્ટ્રીય સ્પોટ માં હવે ૮૪.૧૦ તૂટતા હવે ૮૧.૩૩ સુધીના ઘટાડા ની શક્યતા છે. JPYINR માટે બે-એક અઠવાડિયા અગાઉ ૫૮.૫૦ નું સ્તર જણાવ્યું હતું. આગલા અઠવાડિયે યેન આ સ્તર સુધી ઘટ્યા બાદ સુધર્યો હતો, પરંતુ ગયા અઠવાડિયે ફરી રૂપિયા માં સુધારા ને પગલે યેન માં નરમી જળવાયેલી છે. બ્રિટીશ પાઉન્ડ માં પણ આ જ સ્થિતિ છે. સરવાળે આ અઠવાડિયે ડોલર ઇન્ડેક્સ સુધરવા છતાં એવું બની શકે કે રૂપિયો તમામ આંતરાષ્ટ્રીય કરન્સીઓ સામે સુધારો બતાવે.
એનર્જી વાયદા ની વાત કરીએ તો યુએસ ક્રુડ હાલ માં ભલે ૯૯ ડોલર ના સ્તરે સીધું અને સડસડાટ ઉછળ્યું હોય. પરંતુ, યુએસ ક્રુડ નો આ ઉછાળો છેતરામણો સાબિત થઇ શકે છે. આવતા અઠવાડિયે શરૂઆત ના દિવસો માં અચાનક અને અણધાર્યા સ્તરો બતાવી યુએસ ક્રુડ ૧૦૦ ડોલર ના આંક ને પાર કરવા માં સફળ રહે, પરંતુ અઠવાડિયા ના અંતિમ દિવસો માં ક્રુડ માં પીછેહઠ જોવાય. નેચરલ ગેસ એમસીએકસ વાયદા માં ગતાંક માં અઠવાડિયા દરમ્યાન ટોપ-આઉટ થવાની શક્યતા જણાવી હતી. પરંતુ, હજી પણ નેચરલ ગેસ વાયદા માં તેજી નો ટ્રેન્ડ બનેલ હોઈ, વેચાણ ની પોઝીશન માં સાવચેતી રાખવી. વેચાણ માટે કોઈક અણધાર્યા ઇન્ટ્રા-ડે સ્વીંગ ની રાહ જોવી યોગ્ય રહે. નેચરલ ગેસ ની જેમ જ હમણાં એરંડા માં પણ આવી જ કૃત્રિમ તેજી ચાલી રહી છે. એરંડા માં ગતાંક માં જણાવેલ ૫૦૦૦ નો જોવાઈ ચુક્યો છે. બજાર માં ચાલતી ચર્ચાઓ ની વાત કરીએ તો ત્રણ-ચાર વર્ષ થી બજાર થી દુર રહેલ જુના જોગીઓ ફરી એરંડા માં કાર્ટેલ કરી કૃત્રિમ તેજી રચી રહ્યા હોવાના સમાચારો છે. સ્પોટ એક્ષ્ચેન્જ કૌભાંડ બાદ વેર-હાઉસ રીસીપ્ટ સામે પોઝીશન શક્ય ન હોઈ, આ પરિસ્થિતિ નો લાભ ઉઠાવવા હાલ માં આ જુના ઉસ્તાદોએ પુનરાગમન કર્યું હોઈ શકે. આ તો સ્પોટ એક્ષ્ચેન્જ માં નાના ઘણા રોકાણકારો ના પૈસા હોઈ એ બાબત ખુબ ઉછળી. બાકી બે વર્ષ પહેલા ની ગુવાર ની તેજી હોય કે હળદર ની તેજી, ઈલાઈચી ની કૃત્રિમ તેજી બધા માં નિયમનકારી સંસ્થાઓ છેવટે હાથ ખંખેરી ને જ બેસી જાય છે ને! એરંડા માં ૫૨૦૦ સુધી ના ઉછાળે ૫૩૪૦ ના સ્ટોપલોસ થી નાની એવી વેચાણ ની પોઝીશન બનાવી શકાય. અહી એ ખાસ નોધવું કે એટલી જ પોઝીશન બનાવવી કી જ્યાં દોઢસો રૂપિયા ફેર લોસ બુક કરવો પડે તો પણ જરાય તકલીફ ન રહે.
અન્ય ધાતુઓ માં ગયા અઠવાડિયે ઝીંક અને લેડ માં તેજી નો ટ્રેન્ડ જળવાયેલો રહ્યો, જયારે કોપર અને એલ્યુમીનીયમ નરમ રહ્યા. લેડ વિષે ગતાંક માં આપણે લખ્યું હતું કે આંતરાષ્ટ્રીય બજાર માં લેડ ના ભાવો માં કઈક અંધાધુંધી થઇ શકે તેમ હોઈ, આ ધાતુ તેજી ના ટ્રેન્ડ તરફી છે. લેડ માં ગયા અઠવાડિયે રૂપિયો સુધરવા છતાં તેજી જળવાયેલી રહી છે. ડીસેમ્બર માસ ની શરૂઆત થી જ લંડન મેટલ એક્ષ્ચેન્જ માં લેડ ૨૦૪૦ ડોલર ના ભાવ થી સતત સુધરતું રહ્યું છે અને હાલ માં ૨૧૭૦ ડોલર ને સ્પર્શ્યું છે. ૨૨૦૦ ડોલર થી લેડ માં એકાદ પ્રત્યાઘાતી ઘટાડો જોવાઈ શકે. પરંતુ, ૨૨૦૦ ડોલર ની ઉપર બંધ રહ્યા બાદ લેડ માં આંતરાષ્ટ્રીય બજાર માં પણ તોફાની તેજી જોવાઈ શકે.








