Sunday, 15 December 2013

Weekly article on Global Trends




દેવાળિયા ડોલર નું સુરસુરિયું ક્યારે?

બે વર્ષ પછી બેઝ મેટલ માં આંતરાષ્ટ્રીય તેજી
નેચરલ ગેસ, એરંડો ટોપ બનાવવા ભણી


છેલ્લા ત્રણ અઠવાડિયા થી આપણી કોલમ માં યુએસ ફેડ તરફ થી કોઈ આશ્ચર્ય જોવાવા બાબત લખાઈ રહ્યું છે. ટેપરીંગ ના મુદ્દે એક પછી એક નિવેદનો જ આવી રહ્યા છે અને કોઈ મગ નું નામ મરી પાડી જ નથી રહ્યું. યુએસ ડોલર ઇન્ડેક્સ પાંચ અઠવાડિયા થી સાધારણ નરમી ની ચાલ માં રહ્યો અને ૫૦,૧૦૦ ઉપરાંત ૨૦૦ અઠવાડિયા ની એક્ષ્પોનેન્શીય્લ એવરેજો જે અનુક્રમે ૮૧.૧૦, ૮૦.૭૭ અને ૮૦.૪૯ ની નીચે ૮૦.૧૮ બંધ રહ્યો છે. આ એવરેજો માં નોધવા જેવી બાબત એ છે કે હવે આ એવરેજો માં ક્રોસ-ઓવર બનવા જઈ રહ્યા છે. એટલે કે ૨૦૦ અઠવાડિયા ની એવરેજ ૧૦૦ અઠવાડિયા થી ઉપર ગોઠવાય અને ૧૦૦ અઠવાડિયા ની એવરેજ ૫૦ અઠવાડિયા ની ઉપર. આવા ક્રોસ-ઓવર બની જાય તો ડોલર ઇન્ડેક્સ નો ટ્રેન્ડ બરાબર ઘટાડા તરફી નો બની જાય. અગાઉ ની આપણી કોલમો માં વારંવાર ચર્ચા કરી છે કે ડોલર ઇન્ડેક્સ નું વધવું કે ઘટવું ગ્લોબલ ટ્રેન્ડ નું સહુ થી નિર્ણાયક પરીબળ છે. અમેરિકા નો ડોલર મજબુત બને તો દુનિયાભર ના રોકાણો અમેરિકા તરફ વળે. ઉપરાંત ડોલર સુધરે એટલે આંતરાષ્ટ્રીય કોમોડીટી ના ભાવો પણ ઉંચે જાય. ડોલર ઘટે ત્યારે આ પ્રવાહ ફંટાય. આપણા શેરબજાર ની ગયા અઠવાડિયા ની ચાલ જ જુઓ ને. ચુંટણી ના પરિણામો જાહેર થતા ની સાથે જ નિફ્ટી માં ૬૪૨૫ નું ઊંચું સ્તર જોવાયું. પણ આખા અઠવાડિયા દરમ્યાન નિફ્ટી ઘટતી રહી. ગયા અઠવાડિયા દરમ્યાન નિફ્ટી માં દૈનિક તો માંડ વીસ-પચીસ પોઈન્ટ ની ચાલ રહી. આગલા દિવસે યુએસ ડોલર ઇન્ડેક્સ સુધારા સાથે બંધ રહે એટલે બીજા દિવસે નિફ્ટી ગેપ-ડાઉન ખુલે, આખું ટ્રેડીંગ સેશન દસ-પંદર પોઈન્ટ ની રેંજ માં વધઘટ મર્યાદિત રહે અને ફરી પાછું બજાર બીજા દિવસે આગલા સાંજ ના ડોલર ના ટ્રેન્ડ મુજબ ગેપ-ડાઉન રહે. જ્યાં સુધી નિફ્ટી ને લાગે-વળગે છે, ગતાંક માં જેમ જણાવ્યું હતું, નિફ્ટી તેજી ના ટ્રેન્ડ માં જ છે. ૫૯૯૦ ની નીચે નો સાપ્તાહિક બંધ ન જોવાય, ત્યાં સુધી નિફ્ટી નો ટ્રેન્ડ તેજી તરફી જ છે. સોમવાર ના રોજ ગેપ-અપ ઓપનીંગ જોવાય તો ગયા અઠવાડિયા નો બંધ અને નીચો ભાવ નિફ્ટી ના ટેકા બની જશે. પરંતુ, ગેપ-ડાઉન ઓપનીંગ જોવાયું તો એ જ સ્તરો મોટા અવરોધ બની જાય.

ડોલર ઇન્ડેક્સ ગયા અઠવાડિયે છેલ્લા દિવસો માં સુધારા તરફી રહ્યો જેના પગલે USDINR માં પણ ઉછાળો નોધાયો છે. જો કે, USDINR આંતરાષ્ટ્રીય સ્પોટ માં ૬૩.૨૫ ની નીચે રહે ત્યાં સુધી તેમાં કોઈ મોટો હાઉ નથી. પરંતુ, બે અઠવાડિયા માં ડોલર ફરી પાછો એમર્જિંગ માર્કેટ્સ ની કરન્સી સામે સુધરવા માંડ્યો છે. હોંગકોંગ, ચીન અને સિંગાપોર ને છોડીને બે અઠવાડિયા દરમ્યાન ડોલરે સુધારો દર્શાવ્યો છે. ખરેખર તો ડોલર ની આ જે તેજી છે, તે બોન્ડ ખરીદી ની જે અમેરિકા ની નીતિ ચાલી રહી છે, તેને આભારી છે. જાપાનીઝ યેન ની નરમ ચાલ ને લીધે સુધરતા યુરો છતાં ડોલર ટકી રહ્યો છે.

બીજી તરફ કીમતી ધાતુઓ પણ સતત ઘટાડા બાદ ગયા અઠવાડિયે સાધારણ સુધારા સાથે બંધ રહી. આંતરાષ્ટ્રીય બજાર માં સોના માં સતત જોવાઈ રહેલો ઘટાડો ગયા અઠવાડિયે અટક્યો. આમ તો જો કે સોનું ૧૨૬૭ ડોલર સુધી અઠવાડિયા દરમ્યાન ઉછળ્યું, પણ બંધ ૧૨૩૮ ડોલર રહ્યું. છેલ્લા ચાર અંકો થી આપણી કોલમ માં કીમતી ધાતુઓ માં સાવચેતી રાખવા બાબત લખતા રહ્યા છીએ. હજી પણ સોનું અને ચાંદી નરમી ના ટ્રેન્ડ માંથી બહાર નીકળ્યા નથી. તેજી ના વેપાર માટે સોના-ચાંદી માં ઓછા માં ઓછા બે અઠવાડિયા હજી પણ ધીરજ રાખવી હિતાવહ છે. છેલ્લા ચાર અંકો થી યુએસ ફેડ દ્વારા કોઈક આશ્ચર્ય જોવાવા બાબત લખી રહ્યા છીએ, પરંતુ હજી સુધી આવા કોઈ સમાચાર આવ્યા નથી. સપ્ટેમ્બર ૨૦૧૧ થી આંતરાષ્ટ્રીય બજારો માં ઘટતું રહેલું સોનું હવે કોઈક બોટમ આઉટ ની ચાલ બતાવે એવી પ્રબળ શક્યતાઓ છે. બોટમ આઉટ ની ચાલ માં સ્ટોક કે કોમોડીટી અચાનક ડીપ અને નીચા સ્તરો થી ઉછાળા બાદ સાઈડ-વે ની ચાલ બતાવતા હોય છે. સોના માં જો કોઈ આવી બોટમ-આઉટ ની ચાલ આવી તો મોટા આચકા જોવાઈ શકે છે. ચાંદી માં પણ આ જ પરિસ્થિતિ છે. ભલે ગયા અઠવાડિયે ચાંદી માં નીચા ભાવો થી લેવાલી જોવાઈ હોય, હજી પણ ચાંદી તેજી માટે સલામત નથી. બેઝ મેટલ ની તેજી જોતા ચાંદી માં તેજી નો વેપાર કરવો પણ હોય તો ૪૫૦૦૦ ની ઉપર ની ચાલ જોવાતા ૪૩૭૦૦ ના મોટા સ્ટોપલોસ થી નાની પોઝીશન માં વેપાર કરી શકાય.

ગયું અઠવાડિયું નેચરલ ગેસ માટે ભારે તોફાની રહ્યું. આપણી કોલમ માં ત્રણેક અઠવાડિયા અગાઉ નેચરલ ગેસ માં નવા હાઈ બનવા બાબત લખ્યું હતું. આ અઠવાડિયું નેચરલ ગેસ ની તેજી નું કદાચ છેલ્લું અઠવાડિયું સાબિત થાય. હવે ના બે અઠવાડિયા માં નેચરલ ગેસ ટોપ-આઉટ થઇ જવાની પૂરી શક્યતા છે. ક્રુડ માટે ગયા અઠવાડિયે આપણે બે-ત્રણ અઠવાડિયા રાહ જોવાનું સૂચવ્યું હતું. યુએસ ક્રુડ હવે ફરી પાછું ૯૧ ડોલર થી ૯૭ ડોલર ની જૂની રેંજ માં હોઈ, હાલ માં બે-ત્રણ અઠવાડિયા નક્કર ટ્રેન્ડ માટે રાહ જોવી યોગ્ય રહે.

ગયા અઠવાડિયા ની સહુ થી ધ્યાનાકર્ષક બાબત રહી બેઝ મેટલ ની તેજી. કોપર, લેડ, ઝીંક, એલ્યુમીનીયમ અને નીકલ સહીત તમામ ધાતુઓ અઠવાડિયા દરમ્યાન સુધારા તરફી રહી. લંડન મેટલ એક્ષ્ચેન્જ માં આ તમામ ધાતુઓ છેક માર્ચ ૨૦૧૧ થી ઘટાડા તરફી છે. આ ધાતુઓ માં બે વર્ષ થી આંતરાષ્ટ્રીય બજારો માં ભાવો ઘટતા રહ્યા છે. જો કે આપણા બજાર માં તો હમણાં ઓગસ્ટ અંત માં જ આ ધાતુઓ માં નવા લાઈફ-હાઈ બન્યા હતા. પરંતુ, એ તો રૂપિયા ના ઘસારા ને લીધે. બાકી આંતરાષ્ટ્રીય બજારો માં આ ધાતુઓ માં સતત વેચવાલી જોવાતી રહી છે. એલએમઈ ના ભાવો જોતા લેડ સહુ થી વધારે તોફાની ધાતુ બનવા તરફ આગળ ધપી રહી છે. હાલ માં ૨૧૦૦ ડોલર પ્રતિ ટન ના ભાવે ટકેલ લેડ માં જયારે ભાવો ૨૨૫૦ ડોલર વટાવશે, ત્યારે આ મેટલ માં ફરી પાછી ૨૦૧૦-૨૦૧૧ જેવી તોફાની ચાલ શરુ થાય. આ ચાલ માં ૨૮૦૦-૨૯૦૦ ડોલર સુધીના તોફાનો જોવાય તો પણ નવાઈ નહી. કોપર માં પણ ગયા અઠવાડિયે જે ૪૬૦ ની ઉપર નો બંધ જોવાયો છે, તે જોતા કોપર માં પણ સુધારો આગળ વધી શકે. ઝીંક માં તો છેલ્લા ત્રણ વર્ષો નો ત્રીજો સહુ થી મોટો ઉછાળો ગયા અઠવાડિયે નોધાયો. વાયદા ના ભાવો માં ૬.૫% ના ઉછાળા સાથે ઝીંક તમામ ધાતુઓ માં સુધરવા માં અગ્રેસર રહી. અહી સહુ થી નોધવા જેવી બાબત એ છે કે અત્યાર સુધી ટ્રેડરો બેઝ મેટલ માં મુખ્યત્વે ડોલર ના સુધારા – ઘટાડા ને મહત્વ આપતા. ગયા અઠવાડિયે ડોલર તો સાધારણ સુધારા સાથે બંધ રહ્યો અને ટ્રેડરો ડોલર ના સામાન્ય સુધારા સામે બેઝ મેટલ ના મોટા ઉછાળા ને જોતા વેચવાલી કરતા રહ્યા. હકીકત માં આ વખતે બેઝ મેટલ માં તેજી આંતરાષ્ટ્રીય બજારો માં સુધારા ને આભારી હોઈ, હાલ માં ડોલર કરતા આંતરાષ્ટ્રીય ભાવો પર નજર રાખવી આવશ્યક છે.

એરંડા માં ઓગસ્ટ મહિના થી એકધારી તોફાની તેજી જળવાયેલી છે. આ અઠવાડિયે એરંડા ની તેજી ટોપ-આઉટ થઇ જવાની પુરેપુરી શક્યતા છે. ઉછાળે ૫૦૦૦ ની ઉપર નો કોઈક ભાવ વાયદા માં પડે કદાચ એની જ રાહ જોવાઈ રહી છે. ત્યાં થી આ તેજી ના વળતા પાણી શરુ થાય.

No comments:

Post a Comment