Sunday, 8 December 2013

The Golden 90 days of stock market




શેરબજાર નો સુવર્ણકાળ

ગતાંક માં નિફ્ટી સ્પોટ ના ૬૩૫૦ ની ઉપર બંધ રહેતા ૭૦૦૦ સુધીના ઉછાળા ની શક્યતા શું લખી કે ઘણા મિત્રો ના ભવાં વાંકા થયા. “મોદી ફેક્ટર” બજાર પર કેવી અસર કરશે અને મુખ્ય ચુંટણી ની તારીખો ને આધારે નિફ્ટી ના લેવલ નું આખા વર્ષ ની ચાલ નું કેલેન્ડર બધા પોતપોતાની રીતે બનાવી લીધું છે. આપણી આ કોલમ માં અમે બને ત્યાં સુધી સીધી, સટ અને સંક્ષિપ્ત માં બજાર ના ટ્રેન્ડ ની ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. છેલ્લા ત્રણ અંકો થી આપણી કોલમ માં ચાંદી વિષે ફક્ત ૧૯ ડોલર નું સીધું અને સટ ટાર્ગેટ લખતા રહ્યા. ગયા અઠવાડીએ યુએસ સ્પોટ માં બુધવાર ના રોજ ૧૮.૯૦ ડોલર નું તળિયું જોવાયું. છેલ્લા બે અંકો થી JPYINR માં નરમ રુખ વિષે સીધું જ લખતા રહ્યા. સામાન્ય રીતે ટ્રેડર, રોકાણકાર બજાર ના નિર્ણયો લેતી વખતે સમાચારો ને ધ્યાન માં લઇ ને પગલા ભરતા હોય છે. મારા દસ વર્ષ ના અનુભવ માં મે એટલું જોયું છે કે સમાચાર તો પછી પ્રગટ થાય છે, બજાર ના વંટોળ પહેલા ફુકાઇ જાય છે. રોકાણ ના નિર્ણયો માં આપણે આવી બધી અન્ય બાબતો ને મહત્વ આપીએ છીએ અને મુખ્ય પાસાઓ ને સદંતર અવગણીએ છીએ. શું મિત્રો આપે એ બાબતે ધ્યાન આપ્યું છે કે દસ વર્ષ માં પહેલી વખત બજાર લાઈફ-ટાઈમ હાઈ પર પહોચ્યું છે અને નિફ્ટી નો પ્રાઈસ મલ્ટીપલ દસ વર્ષ ની એવરેજ પાસે જ છે. પ્રાઈસ મલ્ટીપલ એટલે માનો  કે નિફ્ટી ના શેરો નું અર્નિંગ અગર ૧ રૂપિયો હોય અને નિફ્ટી નો ભાવ ૨૫ હોય તો નિફ્ટી ૨૫ ના પ્રાઈસ મલ્ટીપલ પર કહેવાય. અગાઉ જયારે-જયારે નિફ્ટી ૬૦૦૦ ના આંક પર પહોચી, ત્યારે નિફ્ટી નો આ પ્રાઈસ મલ્ટીપલ ૨૫ ની ઉપર જ હોતો. દસ વર્ષ માં નિફ્ટી ૨૫ ના મલ્ટીપલ ની ઉપર માંડ ચારેક મહિના જ ટકી શકી. હાલ માં ભલે નિફ્ટી ૬૦૦૦ ની ઉપર હોય, પરંતુ નિફ્ટી નો આ પ્રાઈસ મલ્ટીપલ છે ૧૮.૬૦. દસ વર્ષ ની નિફ્ટી ના આ પ્રાઈસ મલ્ટીપલ ની એવરેજ છે ૧૮.૩૮. આ ડેટા નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ ની વેબસાઈટ પર જ ઉપલબ્ધ છે.

વાચકમિત્રો ને એ પ્રશ્ન જરૂર થાય કે “જયારે સપ્ટેમ્બર માસ માં નિફ્ટી ૫૨૦૦ સુધી ઘટી હતી, ત્યારે કોઈએ રોકાણ ની સલાહ ન આપી અને કેમ હવે?” આના જવાબ માં હું એટલું કહીશ કે શેરબજાર માં તેજી અગર પાંચ વર્ષ રહે, તો પણ મુખ્ય કરંટ માંડ ત્રણ મહિના માટે હોય છે. આ જે ૯૦ દિવસ નો ગાળો હોય છે, એ એવો તોફાની હોય કે ત્યારે શ્રેષ્ટ વળતર મેળવી શકાય. એ સુવર્ણકાળ ના ૯૦ દિવસ બાદ એવું નથી કે તેજી ના રહે, મુખ્ય કરંટ નીકળી ગયા પછી બજાર ટકેલું રહે એ તો ડીસ્ત્રીબ્યુસન કહેવાય. આવા ડીસ્ટરીબ્યુશન માં જે શેર ખરીદો એ કરેકશન માં તકલીફ જરૂર આપે. રહી વાત બજાર સતત ઘટતું હોય ત્યારે ખરીદી કરવાની. તો સાહેબ જી, ઘટતા બજાર માં શેરો ભલે ખુબ જ મોટા ડિસ્કાઉન્ટ માં મળી રહ્યા હોય, પણ રોકાણ કરીને એકાદ વર્ષ રાહ જોવાની થાય, તો ધીરજ રાખનારા કેટલા? આ જયારે લખાઈ રહ્યું છે, ત્યારે મને એ ખબર નથી કે ચાર રાજ્યો માં સરકાર કોની આવશે, કોણ જીતશે અને કોણ હારશે. જયારે આ અંક વાચકો ના હાથ માં હોય, ત્યારે કદાચ આ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું હોય. પરંતુ, જે રીતે યુએસ ડોલર ઇન્ડેક્સ ૨૦૦ અઠવાડિયા ની એવરેજ ની નીચે તરફ જઈ રહ્યો છે, જે રીતે ગ્લોબલ માર્કેટ માં કીમતી ધાતુઓ માં વેચવાલી છે, અમેરિકા ના શેરબજાર માં પાંચ વર્ષ થી ચાલતી તેજી હવે જે રીતે અવરોધાઇ રહી છે, જે રીતે બે વર્ષ ખુબ પછડાટ સહન કર્યા બાદ રૂપિયો સુધારા માટે સજ્જ છે, જે રીતે ભારતીય રોકાણકારો ની રીયલ એસ્ટેટ અને સોના બાદ ઇક્વિટી છેલ્લી પસંદ બની ગઈ છે અને વિદેશી રોકાણકારોએ છ મહિના માં ઇક્વિટી માં જે રીતે રોકાણો કર્યા છે તેના આધારે શેરબજાર નો આ ૯૦ દિવસ નો સુવર્ણકાળ હવે હાથવેંત માં છે. બજાર વધી ગયા પછી તો પોતાને સમાચારો થી સંપૂર્ણ માહિતગાર કહેવડાવનારા કઈક નિષ્ણાતો સક્રિય થઇ જશે. “મેં ફલાણા દિવસે કહ્યું હતું કે નિફ્ટી નું આ ટાર્ગેટ છે” – એવું કાંઈક કેટલાય મોઢે સાંભળવા મળશે. સ્મોલકેપ અને મિડકેપ શેરો માંથી ક્યા શેર ખુબ-ખુબ વધવાના એવા અભિપ્રાયો વ્યક્ત થતા રહેશે અને જે રોકાણકારો એ શેરો માં રોકાણ કરશે, એ કરેકશન માં માથે દઈ ને બેઠા હશે. આવા કોઈજ ઉદાહરણ બન્યા કરતા ઉત્તમ એ છે કે આપણે રોકાણ-ટ્રેડીંગ ને ટોચની ૧૦૦ કંપનીઓ પુરતું મર્યાદિત રાખીએ.

આગળ જેમ લખ્યું કે રોકાણ નો નિર્ણય લેતા પહેલા રોકાણકાર – ટ્રેડર ક્ષુલ્લક બાબતો ને વધુ મહત્વ આપે છે અને મુખ્ય પાસાઓ ને સદંતર અવગણે છે. એવું નથી કે સામાન્ય રોકાણકાર જ, નિષ્ણાતો પણ ઘણી વખત આવી જ ભૂલો કરતા હોય છે. ફન્ડામેન્ટ ના સારા અભ્યાસુઓ ઇન્ડેક્સ, શેર ના પ્રાઈસ મલ્ટીપલ, ડીવીડંડ ને ધ્યાને લીધા સિવાય જીડીપી ગ્રોથ કેવો રહેશે એના ક્યાસ કાઢવા માં માથું ખંજવાળતા રહે છે, તો ટેકનીકલ ના સારા જાણકારો બ્રેક-આઉટ અને ફોલ્સ-બ્રેકઆઉટ માં અટવાતા રહે છે. એસ્ટ્રો ટેકનીકલવાળા અત્યારે એ શોધી રહ્યા છે કે સાત વર્ષ માં પહેલી વખત બુધ સૂર્ય ની પાછળ છે, છતાં બજાર માં તેજી કેમ છે. તેઓ પણ સહુ થી મોટું પાસું કે શની અને રાહુ નું તુલા રાશી માં સાથે હોવું એને અવગણે છે. વાચકમિત્રો ને નમ્ર વિનંતી કે આ વાંચ્યા પછી મને જ્યોતિષ-શાસ્ત્ર વિષે પ્રશ્નો ન પૂછતાં. જ્યોતિષ-શાસ્ત્ર નું મારું જ્ઞાન ફક્ત વાચન ની રૂચી પુરતું જ મર્યાદિત છે અને  બીજું કે માય નેમ ઇસ ગોસ્વામી એન્ડ આઈ એમ નોટ એન એસ્ટ્રોલોજીસ્ટ.

રૂપિયા માં સુધારો આગળ વધે
નવેમ્બર મહિના ના બીજા અઠવાડિયા માં સતત ચાર અઠવાડિયા થી સુધરી રહેલ ડોલરે રૂપિયા સામે જેવો સ્પોટ માં ૬૩ નો હાઈ બનાવ્યો કે બધા નિષ્ણાતો ફરી પાછા રૂપિયા ના રકાસ ની વાતો કરવા માંડ્યા હતા. આપણી કોલમ માં ત્યારે પણ લખ્યું હતું કે “આવનાર સપ્તાહ માં ડોલર રૂપિયા સામે ૬૪ નું સ્તર બતાવે પણ ડોલર ના રૂપિયા સામે ના દરેક ઉછાળા છેતરામણા સાબિત થાય.” તેના પછી ના અઠવાડિયે ડોલર રૂપિયા સામે ૬૩.૯ સુધી ઉછળ્યો અને ત્યાં થી ઘટાડા તરફી છે. આવનાર પખવાડિયા માં રૂપિયો ડોલર સામે ૫૯ નું સ્તર બતાવે તો નવાઈ નહી. હવે ઉછાળે ડોલર રૂપિયા સામે ૬૨.૪૪ આસપાસ સ્પોટ માં અવરોધાય. બીજી બાજુ ડોલર ઇન્ડેક્સ ૨૦૦ અઠવાડિયા ની એક્ષ્પોનેન્શીય્લ એવરેજ થી સહેજ નીચે બંધ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ ની સાથે સાથે અમેરિકા ના શેરબજાર માં પણ નરમી રહી છે. છેલ્લા પાંચ વર્ષ થી યુએસ માર્કેટ માં જે તેજી જળવાયેલી છે, તેમાં હવે એક કરેકશન ની અપેક્ષા છે. ગતાંક માં આપણે યુએસ ફેડ ધ્વારા કોઈક આશ્ચર્ય જોવાવા બાબત લખ્યું હતું. હજી સુધી તો યુએસ તરફ થી આવું કાઈ જોવા મળ્યું નથી. પરંતુ, જે રીતે યુએસ ડોલર ઇન્ડેક્સ ઘટી રહ્યો છે, જે રીતે ડોલર ઇન્ડેક્સ ના ઘટવા ની સાથે-સાથે સોના માં પણ વેચવાલી આવી રહી છે, તે જોતા સ્ટીમ્યુલસ પેકેજ ના સ્ટેરોઈડ પર ઉભેલું અમેરિકા નું અર્થતંત્ર કોઈક આંચકો આપશે જરૂર. અહી એ નોધવું રહ્યું કે છેલ્લા ચાર વર્ષો માં યુએસ એમર્જિંગ માર્કેટ ને પોતાનો સહુ થી મોટો હરીફ માનવા માંડ્યું છે. અમેરિકનો નોકરી અને રોકાણ માં આ વિકાસશીલ દેશો સાથે સ્પર્ધા માં રાચે છે. ઘણે અંશે આ વાત સાચી પણ છે. અગર અમેરિકા નું અર્થતંત્ર નરમી ની લપેટ માં આવે તો વૈશ્વિક રોકાણકારો ઉપરાંત અમેરિકી નાણા સંસ્થાઓ પણ વિકાસશીલ દેશો માં જ પોતાના રોકાણો ઠાલવશે. એટલે અમેરિકા ના આવા આંચકા છતાં રૂપિયો ટકવા માં સફળ રહે કેમકે રૂપિયા એ તો તેના ભાગ ના શોક અને આફ્ટર શોક ચાર મહિના પહેલા જ જોઈ લીધા છે.


સોના-ચાંદી હજી પણ સલામત નથી
છેલ્લા ત્રણ અંકો થી ચાંદી માટે અહી ૧૯ ડોલર નું ટાર્ગેટ લખતા રહ્યા છીએ અને ગયા અઠવાડિયે યુએસ સ્પોટ માં ૧૮.૯૦ ડોલર નો નીચો ભાવ જોવાયો. ગતાંક માં સોના માં પણ નરમી રહેવા બાબત લખ્યું હતું. ગયા અઠવાડિયે છેલ્લા બે દિવસો માં નીચા સ્તરો થી યુએસ સ્પોટ માં બન્ને કીમતી ધાતુઓ માં ફરી સુધારો જોવાયો છે. પણ, હજી સોના-ચાંદી માં ટ્રેન્ડ નરમી નો જ છે. ખાસ કરીને ચાંદી માં જ્યાં સુધી ૨૦.૨૫ ડોલર ની ઉપર નો બંધ ન જોવાય, ચાંદી જોખમી તબક્કા માં જ છે. ગયા અઠવાડિયે યુએસ સ્પોટ માં સોનું ૧૨૧૦ ડોલર સુધી ઘટ્યા બાદ ૧૨૫૦ ડોલર સુધી ઉછળ્યું પણ ખરું. પણ હકીકત માં તો હવે નું જે પખવાડિયું છે, તે સોના-ચાંદી બન્ને માટે વધારે જોખમી છે. આપણા બજાર ના સંદર્ભ માં વિચારીએ તો પણ આ અઠવાડિયે અગર રૂપિયો પણ સુધરે અને યુએસ સ્પોટ માં નરમી ની ચાલ જળવાય તો મંદી નો સપાટો બેવડો થઇ શકે તેમ હોઈ, આ અઠવાડિયે બન્ને કીમતી ધાતુઓ માં ખુબ જ સાવચેતી રાખવી. ગયા અઠવાડિયે સાત આંતરાષ્ટ્રીય બેંકો ના ફંડ મેનેજરો સામે ગ્લોબલ માર્કેટ માં મેનીપ્યુલેસન ના આરોપો લાગ્યા છે. આ બેંકો ના ફંડ મેનેજરો વાયદા માં પે-ઇન ની સ્થિતિ નો ક્યાસ કાઢી હાજર અને વાયદા માં મેનીપ્યુલેસન કરતા હોવાના સમાચારો ચમક્યા છે. અગાઉ કરન્સી ના તોફાન વખતે પણ આ જ બેંકો ના ફંડ મેનેજરો “બેન્ડીટ”, “પાયરેટ” જેવા નામો થી કાર્ટેલ રચીને કામ કરતા હોવાના સમાચારો ચમક્યા હતા. ભારત, અમેરિકા કે સિંગાપોર બજારો મેનીપ્યુલેસન થી બાકાત રહી શકતા નથી, એ વરવી વાસ્તવિકતા છે. યુએસ સ્પોટ માં સોનું ૧૯૦૦ ડોલર થી ૧૨૦૦ ડોલર ઘટ્યું, તે દરમ્યાન આ બન્ને ધાતુઓ ની ગ્લોબલ માંગ માં શા પરિવર્તનો આવ્યા તે બાબત ફરી ક્યારેક ચર્ચા કરીશું. હાલ માં વાત ક્રુડ ની. સતત તેર અઠવાડિયા ઘટ્યા બાદ ગયા અઠવાડિયે યુએસ ક્રુડ માં ૯૨.૫૦ ડોલર થી સીધો ૯૭.૫૦ ડોલર નો મોટો ઉછાળો જોવાયો છે. આપણા છેલ્લા ત્રણ અંકો માં ક્રુડ માં સુધારો જોવાવા વિષે લખતા રહ્યા. પણ બે અઠવાડિયા ક્રુડ ઘટ્યું. ક્રુડ માં જે રીતે વીકલી ચાર્ટ ક્ન્સોલીડેસન થયા છે, તે જોતા ક્રુડ માં ઘટાડો માન્યા માં નહોતો આવતો. યુએસ ક્રુડ માં ફરી પાછો એજ ૧૦૦ ડોલર નો હવે અવરોધ છે. પણ, ક્રુડ માં કોઈ નક્કર ટ્રેન્ડ પરખવા હવે બે-એક અઠવાડિયા ધીરજ રાખવી પડે.


નિફ્ટી આંકપી ઈ
ડીસેમ્બર ૨૦૦૭૬૦૯૦૨૫.૮
નવેમ્બર ૨૦૧૦૬૩૦૦૨૫.૧૨
ડીસેમ્બર ૨૦૧૩૬૧૦૦૧૮.૫૦

No comments:

Post a Comment