Friday, 28 June 2013

કરન્સી ના વાવાઝોડા બાદ
હવે ક્રુડ માં તોફાન માટે તૈયાર રહો

રૂપિયા અને શેરબજાર માં રિવર્સલ જોવાયા
ગતાંક માં અહી જણાવ્યું હતું કે કરન્સી અને શેરબજાર માં મોટા રિવર્સલ જોવાય. અઠવાડિયા ની શરૂઆત માં શેરબજાર માં મંદી ઘેરી બનતી જણાઈ અને રૂપિયો તો અટકવાનું નામ જ લેતો નહોતો. 26 તારીખ ની કરન્સી વાયદા ની એક્ષ્પાયરી અને 27 તારીખ ની ઇક્વિટી વાયદા ની એક્ષ્પાયરી બાદ અચાનક જ આખો માહોલ બદલાઈ ગયો. આમ તો જો કે આપણી આ કોલમ માં છેક મે મહિના ના છેલ્લા અઠવાડિયા થી શેરબજાર માં 22 જુન સુધી ના કરેકશન વિષે લખતા રહ્યા છીએ, પણ ગયા અઠવાડિયા ની શરૂઆત માં આ કરેકશન જાણે કે અટકવાનું જ ન હોય તેમ રોજે-રોજ નવા તળિયા જોવાતા હતા. પરંતુ, ગુરુ અને શુક્રવાર ના રોજ થી નિફ્ટી આંક માં 5613 નો એક સપોર્ટ ઝોન તૈયાર થયો અને બજાર માં લેવાલી ની શરૂઆત પણ જોવાઈ છે. આપણે છેલ્લા બે મહિના માં રૂપિયા માં બે વર્ષ પછી ફરી પાછો મોટાપાયે ઘસારો જોયો. ડોલર, યુરો, પાઉન્ડ, યેન અરે ચીન નો યુઆન જે ડોલર સામે જબ્બર નરમ થયો હતો એની સામે પણ રૂપિયો ઘસાયો છે. રૂપિયા ના આ ઘસારા ને લીધે જ શેરબજાર માં પણ નરમી જોવાઈ હતી.

ગ્લોબલ માર્કેટ માં સોનું અને ક્રુડ
અગાઉ જયારે-જયારે રૂપિયો ઘસાતો ત્યારે ત્યારે સોના માં તેજી નું તોફાન જોવાતું હતું. પણ, આ વખતે રૂપિયા ની સાથે સાથે સોના-ચાંદી માં પણ કડાકા જોવાયા. ભારતે સોના ની આયાત અંકુશિત કરવા જે પગલા લેવાના શરુ કર્યા છે તેના લીધે સોના માં ગ્લોબલ માર્કેટ માં મંદી ઘેરી બની છે. ગ્લોબલ માર્કેટ માં જયારે આવી વેચવાલીઓ જોવાતી ત્યારે સોના-ચાંદી ની સાથે ક્રુડ પણ થોડું-ઘણું નરમ રહેતું. આ વખતે એવું પણ બન્યું નથી અને સોના-ચાંદી ની મંદી માં ક્રુડ માં ગ્લોબલ માર્કેટ માં ભાવો ટકેલા રહ્યા. આપણા એમસીએક્સ વાયદા ની વાત કરીએ તો રૂપિયા ના ઘસારા ને લીધે બે મહિના માં ક્રુડ માં 4800 થી 5800 સુધી ની મોટી તોફાની તેજી જોવાઈ. હવે જયારે રૂપિયો ફરી થોડો સુધારા તરફી રહેવા માંડ્યો, ત્યારે મોટેભાગે સામાન્ય અભીપાય એવો બને કે ક્રુડ માં પણ થોડી નરમી જોવાય. રૂપિયા ના સુધારા ને લીધે યુએસ ક્રુડ આ લખાય છે ત્યારે હજી પણ તેની 92 ડોલર થી 97 ડોલર ની છેલ્લા છ મહિના ની રેંજ માં જ છે. સાથે જ ક્રુડ માં 99.87 ડોલર નો એક મોટો અવરોધ છે.

ક્રુડ મોટા તોફાન પહેલા ની શાંતિ
કોઇપણ કોમોડીટી, કરન્સી કે ઇન્ડેક્ષ જયારે આવી રેંજ માં હોય છે, ત્યારે એવરેજ ટ્રેડર આ રેંજ ના લેવલો થી ટેવાઈ જાય છે અને જયારે ચાલ માં મોટો બદલાવ જોવાય ત્યારે આ ચાલ પારખવા માં થાપ ખાઈ જાય છે. યુએસ ક્રુડ માં અગાઉ બે વખત આ રેંજ ની બહાર નું બ્રેક-આઉટ જોવાયું હતું, પણ ક્રુડ 100 ડોલર ના જાદુઈ આંક ઉપર બંધ રહેવા માં સફળ રહ્યું નહોતું. માટે, આ વખતે ક્રુડ 99.80 ડોલર ની સપાટી વટાવે તો મંદી માં રહેવું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આપણા ગયા અંક માં પણ ક્રુડ ની ચર્ચા કરી હતી. 2008 માં ક્રુડ માં 145 ડોલર સુધી ની તોફાની તેજી જોવાઈ હતી. એક બાજુ શેરબજાર માં તેજી નો ફુગ્ગો ફૂટી ગયો હતો અને બીજી તરફ ક્રુડ સપાટાબંધ વધી રહ્યું હતું. પણ, જુલાઈ 2008 માં 146 ડોલર થી જે ક્રુડ માં સપાટો જોવાયો તો છ મહિના માં ક્રુડ માં 110 ડોલર નો જંગી કડાકો બોલાઈ ગયો હતો અને ક્રુડ 35 ડોલર ને સ્પર્શ્યું હતું. એ પછી ક્રુડ માં છેક 2011 સુધી ધીમા સુધારા ચાલુ રહ્યા હતા. 2011 ની શરૂઆત માં બે મહિના માં ક્રુડ માં 92 ડોલર થી 112 ડોલર સુધી ની તોફાની તેજી ની ચાલ જોવાઈ અને ટ્રેડરો ત્યારે ક્રુડ ફરી 150 ડોલર ની આગાહી કરવા માંડ્યા હતા. એ સમયે ક્રુડ માં તો 75 ડોલર સુધી નો કડાકો બોલાઈ ગયો અને ચાંદી માં તોફાની તેજી થઇ. યુએસ ક્રુડ 2011 થી વીકલી ચાર્ટ પર સતત નીચા મથાળા અને ઊંચા તળિયા બનાવી રહ્યું છે. મતલબ કે જબ્બર કોન્સોલીડેસન. એટલે આ સ્પ્રિંગ પુરેપુરી દબાઈ ચુકી છે. હવે, અહી થી ક્રુડ માં જે તરફ ની ચાલ પકડાય, તે તરફ મોટા તોફાનો જોવાય. હાલ માં યુએસ ક્રુડ 98.65 થી 89 ડોલર ની એક રેંજ માં છે. યુએસ ક્રુડ ની 200 અઠવાડિયા ની (દિવસ ની નહી, અઠવાડિયાઓ ની એવરેજ) એક્ષ્પોનેન્શિયલ એવરેજ છે 90 ડોલર. 100 અઠવાડિયા ની એવરેજ છે 92 ડોલર (જ્યાં હાલ માં ટેકો  જળવાયેલો છે) અને 50 અઠવાડિયા ની એવરેજ છે 93.50 ડોલર. યાદ રહે કે USDINR માં દૈનિક ચાર્ટ પર આવું જ કોન્સોલીડેસન જોવાયું હતું અને આપણી આ કોલમ માં તે વખતે સતત એક મહિનો આપણે કરન્સી માં મોટા તોફાનો જોવાવા ની શક્યતા લખતા રહ્યા હતા. એ પછી USDINR માં શું થયું એ હવે આપણે સહુ જાણીએ છીએ. જયારે, અહી ક્રુડ માટે આપણે વાત કરી રહ્યા છીએ અઠવાડિયાઓ માં. ટુક માં સાપ્તાહિક ચાર્ટ પર યુએસ ક્રુડ તેની 50, 100 અને 200 અઠવાડિયાઓ ની મોટી એવરેજો ની ઉપર જબ્બર કોન્સોલીડેટ થઇ ને ટકેલું છે. હવે ક્રુડ 99.50 ડોલર વટાવે તો 120 ડોલર સુધી ની સપાટા બંધ તેજી બતાવી શકે.

ઘસાતા રૂપિયા અને વધતા ક્રુડ ના ભાવો વચ્ચે પણ શેરબજાર માં લેવાલી જોવાઈ શકે 
હવે, ક્રુડ માં આવી તેજી ની શક્યતા જોવાતી હોય એટલે શેરબજાર વિષે સામાન્ય અભિપ્રાય એવો બને કે બજાર તૂટે. યાદ રહે કે આપણી આ કોલમ માં છેક ગયા નવેમ્બર માસ થી લખતા રહ્યા છીએ કે હવે નવા અભિગમો કેળવી લો! ક્રુડ ની તેજી માં પણ વિદેશી રોકાણકારો ની મોટી લેવાલીઓ વચ્ચે શેરબજાર માં તેજી જળવાયેલી રહે. હકીકત માં એકાદ અઠવાડિયા પછી કે તે પહેલા પણ શેરબજાર માં ખુબ તોફાની લેવાલી જોવાવા ની શક્યતા છે. હાલ માં રૂપિયો છેલ્લા વીસ વર્ષ ના તળીયે છે. છેલ્લા બાવીસ મહિના માં રૂપિયા માં છત્રીસ ટકા જેટલો ધરખમ ઘસારો નોધાયો છે. રૂપિયા ની આ નરમી વિદેશી રોકાણકારો માટે રોકાણ ની એક સારી તક સમાન છે. માટે રૂપિયા ના ઘસારા અને ક્રુડ ની તોફાની તેજી અગર જોવાય તો પણ શેરબજાર માં તેજી જોવાઈ શકે.

સોનું-ચાંદી: છેલ્લા દસ મહિના થી ચાંદી માં દરેક ઉછાળે વેચવાલી જ જોવાતી રહી છે. 65000 થી 38000 સુધી ના આશરે ચાલીસ ટકા ના કડાકા બાદ હવે કદાચ ચાંદી માં નવા વાયદા માં લેવાલી જોવાઈ શકે. જયારે સોના માં હવે 25200 નીચે નો બંધ જોવાતા ભાવો વધુ ઘટી શકે.

અન્ય ધાતુઓ માં સુધારો જોવાય 
બદલાવ ના આ ગાળા માં ઔદ્યોગિક ધાતુઓ પણ જુના સમીકરણો બદલી રહી હોય એમ હાલ માં ચીન ના ખરાબ સમાચારો વચ્ચે પણ ટકેલી રહી છે. અગાઉ મોટેભાગે ચીન ના ઔદ્યોગિક ઉત્પાદન ના અનુમાનો સારા રહેતા ત્યારે ધાતુઓ માં લેવાલી જોવાતી અને ચીન માં મંદી નો માહોલ હોય ત્યારે ધાતુઓ માં વેચવાલી રહેતી. હાલ માં ચીન માં ઔદ્યોગિક વિકાસ ધીમો પડી રહ્યો હોવાની ચર્ચા સતત સાંભળવા મળે છે, પરંતુ સામે ધાતુઓ માં ભાવો જળવાયેલા રહ્યા છે. ચીન ના રાજકીય અને આર્થિક પાસાઓ અને તેની કરન્સી યુઆન વિષે ક્યારેક ફરી ચર્ચા કરીશું.
કોપર: ઓગસ્ટ વાયદા માં કોપર માં હવે 410 ની ઉપર નો બંધ જોવાતા 428 સુધી ની તેજી જોવાઈ શકે. જ્યાં સુધી 400 ની નીચે નો બંધ ન જોવાય, ભાવો ટકેલા રહે.
લેડ: જુલાઈ વાયદા માં 124 ની ઉપર નો બંધ જોવાતા લેડ માં ફરી 129 સુધી ની તેજી જોવાય. 120.60 લેડ માં મહત્વ નો ટેકો છે.
ઝીંક: બધી જ ધાતુઓ ની સરખામણીએ ઝીંક માં સુધારા ની શક્યતાઓ વધારે છે. 111 ની ઉપર ની ચાલ જોવાતા ઝીંક માં 115.25 સુધી ની ઝડપી તેજી જોવાય. 107.35 ઝીંક માં મહત્વ નો ટેકો છે.







No comments:

Post a Comment