Saturday, 19 October 2013

સોના ની ચમક દિવાળી પુરતી મર્યાદિત



ગયા અઠવાડિયે સોના માં ૨૮૩૫૦ થી ૨૯૪૮૦ સુધી નો, એટલે કે ૧૦૦૦ રૂપિયા થી વધારે નો ઉછાળો નોધાયો છે. દિવાળી ટાણે સોના માં આવેલો આ ઉછાળો મહદઅંશે તહેવાર ની આ મોસમ ને આભારી કહી શકાય. આમ તો જો કે આંતરાષ્ટ્રીય બજાર માં પણ સોના માં ગયા અઠવાડિયે ૧૨૫૦ ડોલર આસપાસ થી જે સુધારો શરુ થયો, તેમાં ૧૩૧૫ ડોલર સુધી ના ભાવો જોવાયા છે.


આંતરાષ્ટ્રીય બજાર માં સોના ની લેવાલી નરમ ડોલર ને આભારી 


યુરો અને યેન સામે ડોલર નરમ પડવા માંડ્યો છે. યુરો ડોલર સામે ૧.૩૬૯૦ નું સ્તર આવતા અઠવાડિયે વટાવે એની પૂરી શક્યતાઓ છે. આ સ્તર વટાવતા યુરો ડોલર સામે બે વર્ષ ના હાઈ પર પહોચશે. આંતરાષ્ટ્રીય સ્તરે જયારે ડોલર નરમ પડવા માંડે છે, ત્યારે વિદેશી ભંડોળ માં ડોલર ના વિકલ્પ તરીકે દુનિયા ના દેશો ની આંતરાષ્ટ્રીય બજારો માં સોના માં લેવાલી વધતી હોય છે. આમ હાલ માં નરમ પડી રહેલ યુએસ ડોલર ઇન્ડેક્ષ આંતરાષ્ટ્રીય બજારો માં સોના ના ભાવો માં સુધારા માટે કારણભૂત છે. 


રૂપિયા ની તાકાત સોના ની ચમક ફીકી પાડે 


આપણા બજારો ને લાગે વળગે છે, ત્યાં એટલું જરૂર કહી શકાય કે હાલ નો રૂપિયા નો સુધારો સોના માં ઉછાળા ને ધીમો કરે. USDINR માં હાલ માં ૬૦.૫૫ તૂટતા ચાર અઠવાડિયા માં ૫૮.૫૦ સુધી ના સ્તરો ની શક્યતા જોતા (૬૦.૫૫ તૂટે તો જ), આંતરાષ્ટ્રીય સ્તરે સોનું સુધરવા છતાં અહી ભાવો માં મોટા ઉછાળા ન જોવાય. અહી એ નોધવું રહ્યું કે એમસીએક્સ વાયદા માં સોના માં હવે ૨૮૩૫૦ મુખ્ય ટેકો છે અને જ્યાં સુધી આ ટેકો અકબંધ રહે, સોનું સુધારા તરફી છે. એ ન્યાયે હાલ ની દિવાળી ની મોસમ માં સોના માં ચમક જળવાયેલી રહે. 


સોના માં ઓગસ્ટ માં થયું ટોપ-આઉટ


ગયા ઓગસ્ટ માસ માં જે રીતે રૂપિયા માં પેનિક થયું અને સોના માં ૩૫૦૦૦ સુધી ના કમોસમી ઉછાળા નોધાઇ ગયા, તે જોતા સોના માં ટોપ-આઉટ થઇ ગયા ની શક્યતાઓ પુરતી છે. ૨૯૫૦૦ આસપાસ બંધ રહેલ સોના માં ઉછાળે હવે ૩૧૯૦૦ મુખ્ય અવરોધ છે અને તહેવારો ની લેવાલી માં આ અવરોધ મહત્વ નો સાબિત થાય. સરવાળે દિવાળી ની આતશબાજી માં સોના ની ચમક થી અંજાઈ ન જવું સારું!

No comments:

Post a Comment